અમદાવાદ સિવિલના ડોકટરો સાત માસની બાળકી માટે બન્યા ભગવાન, કોરોના સંક્રમણ અને ગંભીર સર્જરી કરી બચાવ્યો જીવ

“રામ રાખે એને કોણ ચાખે” આ કહેવત આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ અને તેના ઘણા ઉદાહરણો પણ આપણે જોયા છે. હાલ એવી જ એક ઘટના અમદાવાદ સિવિલમાં જોવા મળી છે. જ્યાં એક સાત માસની બાળકીનો જીવ ડોકટરો દ્વારા બચાવી લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરમાં રહેતા દિનેશભાઇ અને પિન્કીબહેન રાજપૂતની સાત મહિનાની દિકરી અનન્યાને કુદરતી હાજતે જવામાં તકલીફ પડી રહી હતી. અંદરના દબાણના કારણે પેટ પણ ફૂલી જવાની (એબ્ડોમિનલ ડિસ્ટેન્શન) અને ભારે તાવની પણ સમસ્યા હતી. વધુમાં 4-5 દિવસથી ઊલટીઓ પણ થતી હતી.

ત્યારબાદ તેને ભાવનગરની હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં તેની બીમારીની ગંભીરતા જોતા ભાવનગરના ડોક્ટરોએ તેને અમદાવાદ સિવિલમાં લઇ જવાનું સૂચન કર્યું હતું. જેના બાદ અનન્યાના માતા પિતા તેને અમદાવાદ સિવિલમાં લઈને આવ્યા હતા.

અનન્યાને અમદાવાદ સિવિલમાં બાળ ચિકીત્સા શસ્ત્રક્રિયા વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ અહીં સૌથી પહેલા તેને સ્ટેબિલાઇઝ કરાઈ અને સાથોસાથ તેના વિવિધ ટેસ્ટ પણ હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં અનન્યાનું હિમોગ્લોબિન નીચું હોવાનું પણ સામે આવ્યું હતું.

રિપોર્ટમાં એ પણ સામે આવ્યું કે અનન્યાને ileoileocolic intussusception (જેમાં નાના આંતરડાનો ભાગ મોટા આંતરાડામા ધૂસી જવા) છે. અને તેના કારણે જ તેનું પેટ ફુલી જવું અને ઉલટીઓ થવા લાગી હતી. પરરંતુ આ બાળકી માટે એટલું દુઃખ પૂરતું નહોતું. તેનો આર-ટીપીસીઆર ટેસ્ટ કરાવતા કોરોના રીપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

ડોકટરો સામે પણ આ એક પડકાર રૂપ હતું.  છતાં પણ ડોક્ટરોએ આ પડકાર ઝીલ્યો અને 28 એપ્રિલના રોજ અનન્યાની સર્જરી કરવામાં આવી. ડોક્ટરોને ઓપરેશન દરમિયાન જણાવ્યું કે અનન્યાના નાના આંતરડા અને મોટા આંતરડા વચ્ચે લગભગ 15 સે.મી. જેટલો ભાગ સળી ગયો હતો. એટલું જ નહિ અનન્યાના શરીરમાંથી નકામા ખોરાકને બહાર કાઢનારી એક ટ્યૂબ એટલેકે Bowel ઉપર પણ સોજા જોવા મળ્યો હતો. જેના બાદ ડોકટરો દ્વારા આંતરડાનો સડાવાળો ભાગ કાઢી નાખવામાં આવ્યો હતો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી દ્વારા આ સર્જરી સફળતા પૂર્વક કરી અને અનન્યાને એક નવું જીવન આપવામાં તેઓ ભગવાન રૂપ સાબિત થયા હતા.

અનન્યાની સર્જરી બાદ તેને કોવિડ-૧૯ની એક્સ્પર્ટ સંભાળ માટે અનન્યાને બાળ ચિકીત્સા વિભાગમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની દેખરેખ ડૉ. જોલી વૈશ્નવ, ડૉ. અનુયા ચૌહાણ અને ડૉ. હેપ્પી પટેલ રાખી રહ્યા હતા. અહીંયા પણ તેને શ્વસનમાં તકલીફ થવાના કારણે એરવો સપોર્ટ પર રખાઈ હતી. ધીરે ધીરે અનન્યાની હાલતમાં સુધારો આવવાના કારણે તેના પરથી ઓક્સિજન સપોર્ટ પણ હટાવી લેવાયો.

હાલ અનન્યાની તબિયતમાં ઘણો જ સારો સુધારો આવી ગયો છે. તે સારી રીતે ખોરાક લઇ શકે છે અને પચાવી પણ શકે છે અને નકામો ખોરાક સ્ટોમી દ્વારા બહાર નીકળે છે.

Niraj Patel