ખબર

સરપંચની ચૂંટણીમાં એક તરફ જ્યાં ઉમેદવારોએ લાખો રૂપિયા ખર્ચ્યા ત્યાં આ યુવાન માત્ર 130 રૂપિયાના ખર્ચે બન્યો સરપંચ

ગુજરાતમાં હાલ જ સરપંચની ચૂંટણી પૂર્ણ થઇ, જેમાં ઘણા ગામની અંદર ખુબ જ રસાકસી ભરેલો માહોલ પણ જોવા મળ્યો. ઘણા ગામની અંદર મતદારોને રીઝવવા માટે ઉમેદવારોએ પાણીની જેમ પૈસા વહાવ્યા. ઘણા ઉમેદવારો પૈસા   ખર્ચ્યા હોવા છતાં પણ જીતી ના શક્યા, ત્યારે આ દરમિયાન એક એવા યુવાનની કહાની સામે આવી રહી છે જેને માત્ર 130 રૂપિયાનો ખર્ચ કર્યો અને ચૂંટણીમાં વિજેતા પણ બન્યો.

ઉના તાલુકાના સૈયદ રાજપરા ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ તરીકે ઉમેદવારી નોધાવનાર 34 વર્ષના યુવાન ભરતભાઇ વાઘજીભાઇ કામળીયાએ સરપંચ તરીકે પોતાની ઉમેદવારી નોધાવી હતી. ભરતભાઈએ મિત્રોના સહકારથી તમામ વોર્ડના ઉમેદવારોની પેનલ બનાવી હતી. અસ દરમિયાન તેમને મતદારોને રીઝવવા માટે કોઈપણ પ્રકારનો નકારાત્મક પ્રચાર પણ કર્યો નહીં.

સાંજ સમાચારના રિપોર્ટ પ્રમાણે ચૂંટણી પ્રચાર દરમિયાન પણ તેમના સામેના ઉમેદવારો માટે તેમને કોઈ વિરોધની વાતો કરી નહીં અને મતદારોને 10 દિવસ સુધી ફક્ત પોતે પાંચ વર્ષ દરમિયાન કેવા કેવા કાર્યો કરશે તેની જ વાત કરી હતી અને પ્રચાર દરમ્યાન ચા પીવાની ઇચ્છા થાય તો મતદારોની ચા પિધી હતી.

અને જયારે ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે ભરતભાઈ કામળીયા 384 મટે વિજયી બન્યા. જયારે મતગણતરી થઇ હતી ત્યારે પણ તેમના ખિસ્સામાં માત્ર 20 રૂપિયા જ હતા આ 20 રૂપિયા ખર્ચીને તેમને 130 રૂપિયાનો ચૂંટણી દરમિયાનનો ખર્ચ પૂર્ણ કર્યો. ભરતભાઈ માટે સ્લીપ છપાવવાનો ખર્ચ પણ તેમના મિત્રોએ કર્યો હતો.

આ ઉપરાંત તેમની જીત બાદ તેમને હાર પહેરાવવાની પણ આગેવાનોને ના પાડી હતી અને એજ પૈસામાંથી ગાયને ઘાસ ખવડાવવાનું કહ્યું હતું. યુવાન સરપંચ ગામનો વિકાસની વાત કરતા જણાવ્યું હતું કે વર્ષોથી ગામમાં પાણીની સમસ્યા છે. તે પાણીની સમસ્યા ઉકેલી અને શાળામાં શિક્ષકોની ઘટ છે તે માટે સરકારને રજુઆત કરીશું.