સંતોષ બલરાજનું નિધન, જોન્ડિસના કારણે કાળના મોતમાં સમાઇ ગયો સાઉથ એક્ટર, 34 વર્ષની ઉંમરે છોડી દીધી દુનિયા
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો છે. એક પછી એક અનેક કલાકારોના મૃત્યુએ સમગ્ર ઉદ્યોગને આઘાત પહોંચાડ્યો છે. હવે કન્નડ અભિનેતા સંતોષ બલરાજનું અવસાન થયું છે. તેઓ 34 વર્ષના હતા. પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અનેકલ બલરાજના પુત્ર સંતોષ બલરાજ કમળાથી પીડાતા હતા. તેઓ કર્ણાટકની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, અને તેમણે ત્યાં જ અંતિમ શ્વાસ લીધા.

સંતોષ બલરાજ પહેલા ફિશ વેંકટ, કોટા શ્રીનિવાસ રાવ, બી. સરોજા દેવી અને વિષ્ણુ પ્રસાદ જેવા કલાકારોનું અત્યાર સુધીમાં અવસાન થયું છે. સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું છે અને દરેક વ્યક્તિ આઘાતમાં છે. કમળાને કારણે સંતોષ બલરાજને થોડા દિવસોથી કર્ણાટકના કુમારસ્વામી લેઆઉટ સ્થિત સાગર એપોલો હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની તબિયતમાં કોઈ સુધારો થઈ રહ્યો ન હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે સારવારની તેમના પર કોઈ અસર થઈ રહી ન હતી. આખરે મંગળવાર 5 ઓગસ્ટના રોજ તેમનું અવસાન થયું. સંતોષ બલરાજના પરિવારમાં હવે ફક્ત તેમની વિધવા માતા રહ્યા છે. તેમના પિતા અનેકલ બલરાજનું 15 મે 2022 ના રોજ અવસાન થયું હતું, તેમણે એક માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો.

જણાવી દઈએ કે સંતોષ બલરાજે 2009 માં આવેલી ફિલ્મ ‘કેમ્પા’ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, સંતોષે ‘કરિયા 2’ માં પણ કામ કર્યું હતું, જે તેમના પિતા અનેકલ બલરાજ દ્વારા સંતોષ એન્ટરપ્રાઇઝ (SE) ના બેનર હેઠળ બનાવવામાં આવ્યું હતું. તેમની લોકપ્રિય ફિલ્મોમાં 2015 ની ફિલ્મ ‘ગણપા’ અને 2024 ની ફિલ્મ ‘સત્યમ’ પણ શામેલ છે. તેઓ સુમંત ક્રાંતિની ફિલ્મ ‘બર્કલી’ નો પણ ભાગ હતા.