કોઈ ફિલ્મોથી કમ નથી ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાની લવ સ્ટોરી, જુઓ રિવાબા સાથે કેવી રીતે થઇ હતી મુલાકાત

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા આજે કોઈ ઓળખનો મહોતાજ નથી. તેને પોતાની શ્રેષ્ઠ રમતથી દુનિયાભરમાં પોતાનું આગવું નામ બનાવ્યું છે. ગત રવિવારના યોજાયેલી એશિયા કપમાં ભારત પાકિસ્તાનની મેચમાં પણ રવિન્દ્ર જાડેજાએ શાનદાર પર્ફોમન્સ આપ્યુ હતું, રવિન્દ્ર જાડેજા તેની રમત ઉપરાંત તેના અંગત જીવનને લઈને પણ હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. પોતાના અંગત જીવન વિશે રવિન્દ્ર જાડેજા પોતાના સોશિયલ મીડિયામાં પણ અપડેટ કરતો રહે છે.

રવિન્દ્ર જાડેજાની જેમ જ ગુજરાતમાં તેના પત્ની રીવાબા જાડેજા પણ એક મોટું નામ ધરાવે છે. રીવાબા રાજકારણ સાથે જોડાયેલા છે. પરંતુ તે અવાર નવાર એવા એવા સેવાકીય કાર્યો કરે છે જેને લઈને પણ તે હંમેશા જનતાના દિલો ઉપર છવાયેલા રહે છે. ત્યારે ઘણા ઓછા લોકો જાણતા હશે કે રીવાબા અને રવિન્દ્ર જાડેજાની મુલાકાત કેવી રીતે થઇ હતી અને તેમની સફર લગ્ન જીવન સુધી કેવી રીતે પરિણમી.

રીવાબાએ મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. હવે તે ભારતીય જનતા પાર્ટી (BJP) ના સભ્ય છે. રવિન્દ્ર જાડેજાનો જન્મ 6 ડિસેમ્બર 1988ના રોજ રાજપૂત પરિવારમાં થયો હતો. તેને નાનપણથી જ ક્રિકેટમાં રસ હતો. સતત મહેનત બાદ 2009માં ભારતીય ક્રિકેટ ટીમમાં તેની પસંદગી કરવામાં આવી હતી. ક્રિકેટના મેદાન પર ઓલરાઉન્ડ પ્રદર્શન કરનાર જાડેજા પ્રેમની બાબતમાં પાછળ હતો.

2015માં તેની બહેન નૈનાએ તેની એક મિત્રને મળવાનું કહ્યું. શરૂઆતમાં જાડેજા સંકોચ અનુભવતો હતો, પરંતુ બાદમાં સાથે ગયો હતો. તે નૈનાની સાથે રીવાબાને મળવા માટે પહોંચે છે. રીવાબાને પહેલી નજરે જોઈને જડ્ડુને પ્રેમ થઈ ગયો. ત્યારબાદ બંને મિત્રો બન્યા અને બીજા જ વર્ષે 2016માં લગ્ન કરી લીધા.

રીવાબા વિશે વાત કરીએ તો તેનો જન્મ 1990માં રાજકોટના એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો. રીવાબાએ રાજકોટની આત્મીય ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ કોલેજમાંથી એન્જીનીયરીંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેમના પિતા હરદેવસિંહ સોલંકી રાજકોટના જાણીતા વેપારી અને કોન્ટ્રાક્ટર છે. રીવાબા તેના માતા-પિતાનું એકમાત્ર સંતાન છે. બીજી તરફ તેમના કાકા હરિસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષના નેતા છે. આશ્ચર્યની વાત એ છે કે કાકા કોંગ્રેસના સભ્ય છે અને રીવાબા પોતે ભાજપના સભ્ય છે. રીવાબા 2019માં ભાજપ સાથે જોડાયા હતી.

લગ્ન પછી રીવાબાનું નામ ચર્ચામાં આવ્યું. વાસ્તવમાં આ 2018ની વાત છે જ્યારે રીવાબાએ એક મોટરસાઇકલ સવાર કોન્સ્ટેબલને તેની કારથી ટક્કર મારી હતી, ત્યાર બાદ રીવાબા અને કોન્સ્ટેબલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ગુસ્સામાં તેણે રીવાબાના વાળ ખેંચીને તેને થપ્પડ મારી દીધી હતી. જો કે આ ઘટના બાદ રીવાબાએ કોન્સ્ટેબલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને તેની ધરપકડ પણ કરવામાં આવી હતી.

Niraj Patel