ટીમ ઇન્ડિયાના સાવજ રવિન્દ્ર જાડેજાએ સર્જરી બાદ ભરી હુંકાર, કાંખ ઘોડીના સહારે ભર્યું પ્રથમ ડગલું, જુઓ

ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો છે. પાકિસ્તાન સામેની જીતમાં હાર્દિક પંડ્યા સાથે હીરો બનેલો જાડેજા એશિયા કપમાં ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ તે પાકિસ્તાન, શ્રીલંકા અને અફઘાનિસ્તાન સામે સુપર ફોરની મેચમાં રમી શક્યો ન હતો.

રવિન્દ્ર જાડેજા પોતાના ચાહકો સાથે પણ પોતાની હેલ્થ અપડેટ સતત શેર કર્યા કરે છે, તેમને થોડા સમય પહેલા પણ તેમની કેટલીક તસવીરો શેર કરી અને ચાહકોને પોતાના સ્વાસ્થ્ય અંગેની જાણકારી આપી હતી. હોસ્પિટલમાં થયેલી સર્જરી બાદ જાડેજાએ હોસ્પિટલના ફોટો સાથેની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘સર્જરી સફળ રહી. ટૂંક સમયમાં રિહેબ શરૂ કરીશ અને ટૂંક સમયમાં મેદાન પર પાછા ફરવાનો પ્રયાસ કરીશ !

આ સાથે જ જાડેજાએ તેમની બે તસવીરો પણ શેર કરી હતી, જેમાં ચાહકોએ પણ કોમેન્ટ કરીને તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના પણ કરી હતી. ત્યારે હવે જાડેજાએ તેમની વધુ એક તસવીર શેર કરી અને ચાહકોને પોતાની હેલ્થ અપડેટ આપી છે. આ તસવીર હોસ્પિટલની નથી પરંતુ તેમના ઘરની લાગી રહી છે.

રવિન્દ્ર જાડેજા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરમાં તે કાંખ ઘોડીના સહારે ઉભેલા જોવા મળી રહ્યા છે. આ સાથે જ તેમને કેપશનમાં લખ્યું છે, “એક સમયે એક પગલું”. આ તસ્વીરને જોતા લાગી રહ્યું છે કે રવિન્દ્ર જાડેજા પણ કમબેક કરવા માટે આતુર છે અને તે પણ જલ્દીથી રિકવર થાય તેમ ઈચ્છી રહ્યા છે. તેમના ચાહકો પણ તેમના પરત ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Niraj Patel