હેન્ડ્સ ફ્રી લગાવીને વાહન ચલાવતા લોકો માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટમાં માલધારી ફાટક પાસે ટ્રેનની અડફેટે 2 લોકોના મૃત્યુ થયા છે. કાનમાં હેન્ડ્સ ફ્રી લગાવીને ફાટક ક્રોસ કરતા સગીરનો અકસ્માત સર્જાયો હતો.
રાજકોટમાં માલધારી ફાટક પાસે મોબાઇલમાં મશગુલ 12 વર્ષનો તરુણ કાનમાં હેન્ડ્સ ફ્રી કરાવી જતો હતો ત્યારે અચાનક ટ્રેન આવી ચડતા બનેવીએ સાળાને બચાવવા દોટ મૂકી હતી. પરંતુ કમનસીબે સાળો બનેવી બન્ને ટ્રેનની ઠોકરે ચડી જતા બંનેના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. સાળા બનેવીના મોતથી બંને પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. બંનેના મૃતદેહને વતનમાં લઈ જવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, રાજકોટમાં કોઠારીયા વિસ્તારમાં આવેલા ગુલાબનગરમાં રહેતા બાબુ હરીન્દ્ર બેજરાજ ઉર્ફે વંશરાજ નામનો 12 વર્ષનો તરુણ અને તેના બનેવી અંગનું રામસરવે સોનકર (ઉ.વ.28) સાંજના સમયે માલધારી ફાટક પાસે હતા. ત્યારે પોરબંદરથી રાજકોટ આવતી ટ્રેનની ઠોકરે ચડી ગયા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા રામસરવે સોનકરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે, 12 વર્ષના તરુણને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તરુણે પણ દમ તોડી દીધો હતો.
હેન્ડ્સ ફ્રી લગાવીને ફાટક ક્રોસ કરવું જીવલેણ બન્યું
બંન્ને યુવક રેલવેની ફાટક ક્રોસ કરી રહ્યાં હતા તે સમય બંન્નેના કાનમાં હેન્ડસ ફ્રી લગાવેલી હતી ત્યારે અચાનક જ ટ્રેન આવી જતા તેઓ રેલવેની અડફેટે ચડ્યા હતા. બાબુ હરિન્દ્રને બચાવવા જતા અંગુ સોનકર નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે. ટ્રેનની અડફેટ ચડતા બંન્ને યુવક ઈજાગ્રસ્ત થયા હતા જેમાં બાબુનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ત્યારે રાજકોટમાં હેન્ડસ ફ્રી લગાવીને ગીત સાંભળવા બે યુવકને ભારે પડ્યું છે.