ટ્રાફિક પોલિસના કોન્સ્ટેબલે એવી રીતે કાપ્યો વિદેશી યુવકનો મેમો કે વીડિયો વાયરલ થયા બાદ ફસાઇ ગયો
Delhi police fines Korean man Rs 5,000 without receipt : જો દેશમાં આવતા વિદેશીઓને નિયમોની જાણ ન હોય તો દરેક પગલા પર તેમને કેટલાક એવા લોકો મળી જાય છે જે તેમની સાથે છેતરપિંડી કરે છે. દિલ્હી ટ્રાફિક પોલીસનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમનો ભંગ કરવા બદલ કોરિયન વ્યક્તિ પાસેથી 5000 રૂપિયાનો દંડ વસૂલ્યો પણ તેને રસીદ ન આપી. જો કે, મામલો સામે આવ્યા બાદ અને વીડિયો વાયરલ થયા બાદ દિલ્હી પોલીસે પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દીધો. જો કે, પોલીસકર્મીએ કહ્યું કે તે વ્યક્તિ તેને રસીદ આપતા પહેલા જ કાર લઈને ભાગી ગયો હતો.
કોરિયન વ્યક્તિ પાસે પોલિસ કોન્સ્ટેબલે લીધા દંડના 5000
દિલ્હી ટ્રાફિક પોલીસના વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક પોલીસકર્મી ટ્રાફિકના નિયમો તોડવા બદલ કોરિયન વ્યક્તિને દંડ ભરવાનો કહે છે, પોલીસકર્મીનું નામ મહેશ ચંદ જણાવવામાં આવી રહ્યું છે. પોલીસકર્મી કોરિયન વ્યક્તિને કહે છે કે તેને રૂ.5000નો દંડ ભરવો પડશે. ફોરેનર પાંચસો રૂપિયા આપે છે, તો પોલીસવાળા કહે છે કે દંડ 500 નહીં, 5000 રૂપિયા છે. તેના પર કોરિયન વ્યક્તિ વિલંબ કર્યા વિના 5 હજાર રૂપિયા આપે છે. પછી બંને સ્માઇલ કરે છે, અને હાથ મિલાવ્યા બાદ કોરિયન યુવક કાર સ્ટાર્ટ કરી ત્યાંથી નીકળી જાય છે.
5000 દંડ લઇને ના આપી રસીદ
જો કે, આ વીડિયોમાં સ્પષ્ટ છે કે પોલીસકર્મીએ કોરિયનને કોઈ રસીદ આપી નથી. દિલ્હી ટ્રાફિક પોલીસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી. પોલીસે કહ્યું કે ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સ અપનાવતા રવિવારે એક ટ્રાફિક પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આરોપી પોલીસકર્મીએ કોરિયન વ્યક્તિ પર 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો પરંતુ તેને રસીદ આપી ન હતી. દિલ્હી પોલીસે ટ્વીટ કર્યું, “સોશિયલ મીડિયા પોસ્ટની નોંધ લેતા, વિડિયોમાં દેખાતા સંબંધિત અધિકારીને તપાસ પેન્ડિંગ હેઠળ સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવ્યા છે.
દિલ્હી પોલીસની ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ
દિલ્હી પોલીસની ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ છે.” બીજી તરફ, સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીએ પોતાના બચાવમાં દાવો કર્યો છે કે તે વ્યક્તિ તેને રસીદ આપતા પહેલા જ ત્યાંથી નીકળી ગયો હતો. આ મામલો 20 જુલાઈએ ટ્વિટર યુઝર ‘પ્રિયા’ (@Miracle2204) દ્વારા સોશિયલ મીડિયા પર ઉઠાવવામાં આવ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલની તસવીર અને વીડિયો લિંક શેર કરતાં તેણે લખ્યું- 21.40 વાગ્યે ‘મહેશ ચંદ’ નામના ભ્રષ્ટ ટ્રાફિક પોલીસ અધિકારીએ વિદેશી પાસેથી 5000 રૂપિયાનો દંડ લીધો અને તેના બદલામાં તેને રસીદ પણ ન આપી.
પોલિસકર્મીને કરવામાં આવ્યો સસ્પેન્ડ
તેણે ‘દિલ્હી ટ્રાફિક પોલીસ’, ‘દિલ્હી પોલીસ કમિશનર’, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદી’ અને રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીને ટેગ કરીને આવા લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ બાબત પર, ‘દિલ્હી ટ્રાફિક પોલીસ’ના સત્તાવાર હેન્ડલએ 23 જુલાઈના રોજ લખ્યું – સોશિયલ મીડિયા પોસ્ટની નોંધ લેતા, વીડિયોમાં દેખાતા સંબંધિત અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યાં સુધી તપાસ ચાલશે ત્યાં સુધી તે સસ્પેન્ડ રહેશે. સાથે જ લખ્યું કે દિલ્હી પોલીસની ભ્રષ્ટાચાર સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ છે.