હીરાબાના નિધન પર આખો પરિવાર ચઢ્યો હિબકે, સ્વજનોની આંખોમાંથી છલકાયા આંસુ

ગાંધીનગરના સેક્ટર 30 સ્થિત સ્મશાન ગૃહમાં પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે હીરાબાના ચાર પુત્રો સોમાભાઈ મોદી, પ્રહલાદ મોદી, નરેન્દ્ર મોદી અને પંકજ મોદી સહિત પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. હીરાબાના અંતિમ સંસ્કાર સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવુક દેખાતા હતા અને તેમની આંખો ભીની થઇ હતી, તો સોમાભાઈ મોદી પણ રડી પડ્યા હતા,. ત્યારે નજીકમાં ઉભેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સાંત્વના આપી હતી.

સોમાભાઈ મોદી તેમના પરિવાર સાથે અમદાવાદના રાણીપમાં રહે છે. ગુજરાતની ચૂંટણી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના મોટા ભાઈને મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ સોમાભાઈ મોદી, અને હીરાબાના નાનો પુત્ર પંકજ મોદી યુએન હોસ્પિટલમાં હાજર રહ્યા હતા. વડાપ્રધાનના પિતા દામોદરદાસ મોદીનું 1989માં અવસાન થયું હતું. ત્યારથી હીરા બા સમગ્ર પરિવાર માટે આધારસ્તંભ હતા. તેમણે આખા કુટુંબનું ધ્યાન રાખ્યું.

સૌથી મોટા સોમભાઈ મોદી હોય કે પરિવારના અન્ય ભાઈઓ હોય, હીરાબા એ ઊર્જાનું એકમાત્ર ભાવનાત્મક કેન્દ્ર હતું. ત્યારે તેમના નિધનની પરિવારને ખોટ પડી છે. હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં થયા હતા. હીરાબાની અંતિમ યાત્રા પંકજ મોદીના રાયસણ સ્થિત ઘરેથી 8.30 વાગ્યાની આસપાસ નીકળી અને સેક્ટર-30ના સ્મશાન ખાતે પહોંચી હતી. પીએમ મોદી પણ માતાના નિધનને લઇને તાબડતોબ ગાંધીનગર પહોંચી ગયા હતા

અને અંતિમયાત્રામાં આખો પરિવાર હિબકે ચઢ્યો હતો. આસપાસનાં સ્વજનો પણ પોતાનાં આંસુ રોકી શકતા ન હતા. પ્રધનામંત્રી મોદીની વાત કરીએ તો, તેઓ કોઇ પણ પ્રસંગે મા હીરાબાના આશીર્વાદ લેતા અને પછી જ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આગળ વધતા. તેમનો જન્મદિવસ હોય કે પછી માતાનો તેઓ પહેલા માતાના આશીર્વાદ લેવા પહોંચતા. જણાવી દઇએ કે, હીરાબાનો જન્મ પાલનપુરમાં થયો હતો અને તે બાદ તેઓ વિસનગરમાં ઉછર્યા

અને બાદમાં વડનગરમાં.. પછી તેઓ અમદાવાદમાં અને બાદમાં ગાંધીનગરમાં રહ્યાં. ઉલ્લેખનીય છે કે, બુધવારના રોજ હિરાબાની તબિયત બગડી હતી, તે બાદ તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માતાને દાખલ કરાયા હોવાની જાણ થતા જ પીએમ મોદી બુધવારે બપોરે અમદાવાદ આવ્યા હતા અને માતાની સ્વાસ્થ્ય વિશેની માહિતી ડોક્ટર પાસે લીધી હતી.

પીએમ મોદી હોસ્પિટલમાં સવા કલાક રોકાયા બાદ રવાના થયા હતા. પીએમ મોદીના માતાના 100માં જન્મદિવસે બ્લોગમાં લખ્યું હતુ કે, “મા કે માતા – શબ્દકોશમાં ફક્ત એક શબ્દ નથી. આ શબ્દમાં તમામ પ્રકારની લાગણીઓ સમાઈ જાય છે – પ્રેમ, ધૈર્ય, વિશ્વાસ વગેરે. દુનિયાભરમાં કોઈ પણ દેશ કે વિસ્તારમાં બાળકો તેમની માતા પ્રત્યે વિશેષ લાગણી ધરાવે છે.

માતા તેના બાળકને જન્મ આપવાની સાથે તેમની પ્રથમ ગુરુ પણ છે. માતા બાળકના માનસનું, તેના વ્યક્તિત્વનું ઘડતર કરે છે અને તેને આત્મવિશ્વાસ આપે છે. આ પ્રક્રિયામાં માતા પોતાની અંગત જરૂરિયાતો અને આકાંક્ષાઓનો નિઃસ્વાર્થપણે ત્યાગ કરે છે.” આ ઉપરાંત તેમણે માતાની સંઘર્ષની કહાની પણ જણાવી હતી.

Shah Jina