ભાવનગર જિલ્લાનું પાલિતાણા કે જે જૈનની તીર્થનગરી છે તે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ત્યારે હાલમાં પાલિતાણામાંથી એક ખબર સામે આવી છે જેમાં લગ્નની દાવતમાં ખાવાનું આરોગ્યા બાદ 150-200 લોકોને ફૂડ-પોઇઝનિંગની અસર થઈ છે. રવિવારે સાંજ રોજ યોજાયેલા લગ્ન પ્રસંગમાં એક હજારથી વધુ લોકોએ ચિકન, મટન, બિરયાની સહિતનું નોનવેજ ખાધુ હતું અને સફરજનનો હલવો તેમજ છાશ પણ પીધી હતી. કેટલાક લોકોને ઊલટીઓ થતાં માનસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને ફૂડ પોઇઝનિંગને પગલે બેડ ખૂટી પડ્યાં હતાં.
ભાવનગરના પાલીતાણા ઘેટી રિંગરોડ પર આ બનાવ બન્યો હતો. રાત્રે પાલીતાણા માનસિંહજી હોસ્પિટલ કડકડતી ઠંડીમાં ઉભરાઈ ગઇ હતી. ફૂડ પોઇઝનિંગની બાળકો પર માઠી અસર પડી છે. પાલીતાણાના ઝાહિદભાઈ મકવાણાના ઘરે પ્રસંગ હતો અને રાત્રે ઘેટી રિંગરોડ રહેમાન દાદાની વાડીમાં જમણવાર રાખવામાં આવ્યો હતો. જેમાં એક હજારથી વધુ લોકો આવ્યા અને તે બાદ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી. એક વર્ષથી ચાર વર્ષ સુધીના નાના નાના બાળકો પણ ફૂડ પોઇઝનિંગની ઝપેટમાં આવી ગયા હતા.
જે લોકો ફૂડ પોઇઝનિંગની અસર થયા બાદ હોસ્પિટલ આવી રહ્યા હતા તે લોકોમાંથી બિરયાની આરોગ્ય બાદ આવું થયું હોવાનું જાણવા મળતું હતું. 100 જેટલા લોકોને આની સામાન્ય અસર થઈ હતી જ્યારે અન્ય લોકોને માનસસિંહજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત કોઈને ખાનગીમાં તો કોઈને ભાવનગર રેફર કરવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક સામાજિક કાર્યકરો, રાજકીય પક્ષના નેતાઓ પણ પોતાની સેવા આપવા પહોંચ્યા હતા. સ્થાનિક ઈકબાલભાઈ અનુસાર,
જમણવારમાં લોકોને ફૂડ- પોઇઝનિંગની અસર થતાં માનસિંહજી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા અને કેટલાકને ખાનગીમાં તો કેટલાકને ભાવનગર રેફર કરવામાં આવ્યા. હાલ તો કોઈ ગંભીર દર્દી હોવાનું આ ઘટનામાં સામે આવ્યું નથી, જેને કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ઉલ્લેખનીય છે કે, સુરતના કતારગામમાં વિસ્તારમાં થોડા દિવસો પહેલા લગ્નના જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ થતા 90થી વધારે લોકોને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા હતા અને આટલી મોટી માત્રામાં લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા કોર્પોરેશને સ્થળ પર જ વધુ સારવાર માટે ઓપીડી શરૂ કરી હતી.