આસ્થાના આ પાવન મંદિરમાં પૂર્ણ થાય છે લોકોની માનતાઓ, પ્રસાદ કે સોનાચાંદીની વસ્તુઓ ચઢાવવાના બદલે ફક્ત પાણી ચઢાવીને થાય છે મનોકામનાઓ પૂર્ણ

આપણા દેશની અંદર ઠેર ઠેર ઘણા મંદિરો આવેલા છે. આ મંદિરોનો આગવો મહિમા છે. જ્યાં લોકો પોતાની માનતાઓ માને છે, અને માનતા પૂર્ણ થવા ઉપર મંદિરમાં પ્રસાદ, ધજા, ચૂંદડી, છત્તર, જેવી વસ્તુઓ પણ ચઢાવતા હોય છે, પરંતુ ગુજરાતની અંદર એક એવું મંદિર આવેલું છેમ જ્યાં માનતા પૂર્ણ થવા ઉપર પાણીની બોટલ અને પાઉચ ચઢાવવામાં આવે છે.

ગુજરાતમાં ઘણા એવા મંદિરો છે જ્યાં આજે પણ આવા સતના પરચાઓ મળતા આવે છે, આવું જ એક આસ્થાનું એક અનોખું કેન્દ્ર ગુજરાતના મહેસાણા અને પાટણ જિલ્લા વચ્ચે આવેલું છે. ગુજરાતનું આ એક એવું સ્થાનક છે જ્યાં માત્ર પાણી ચઢાવવાની માનતા રાખવા ઉપર પણ તમારા ધાર્યા કાર્ય થઇ જાય છે. કાર્ય પૂર્ણ થયા બાદ આ સ્થાનક ઉપર ભક્તો પોતાના પરિવાર સાથે આવે છે અને પાણીની બોટલ તેમજ પાઉચ ચઢાવે છે.

મહેસાણાના મોઢેરાથી થોડે નજીક હાઇવે પર એક ફાર્મ હાઉસની સામે આ નાનકડું મંદિર આવેલું છે, જ્યાં પાણીની બોટલો અને પાઉચ ચડાવવામાં આવી રહ્યાં છે. દૂર દૂરથી લોકો પોતાની માનતા પૂરી કરવા અહીં ગાડીઓ ભરી ભરીને પાઉચ ચડાવી જાય છે.

આ માનતા રાખવા પાછળની એક સત્ય ઘટના પણ ખુબ જ રોચક છે. 21 મે 2013ની વહેલી સવારે 9 કલાકે મોઢેરાથી આગળ આવેલા એક ફાર્મ હાઉસની સામે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત રિક્ષા અને ગાડી વચ્ચે થયો હતો. એમાં રિક્ષામાં સવાર યુવાનો લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો, જેમાં 9 લોકોમાંથી 6 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતમાં બે દશ વર્ષનાં નાનાં બાળકો પણ હતાં. એ અકસ્માત સમયે તેઓ પાણી માટે તરસી રહ્યાં હતાં અને ત્યાં તેમનાં મોત નીપજ્યાં હતાં.

8 વર્ષ પહેલાં થયેલા અકસ્માત બાદ અહીં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. ત્યારે ફાર્મ હાઉસમાં ચોકી કરતા દરબાર મેતુભા બચુભા સોલંકીએ ભાસ્કરને જણાવ્યું હતું કે 21 મે 2013માં સવારે અકસ્માત મારી સામે જ થયો હતો, જ્યાં મેં જ રિક્ષામાંથી લોકોને બહાર નીકળ્યા હતા. ત્યાં બે દસ વર્ષનાં બાળકો અકસ્માત બાદ પાણી માટે તરસી રહ્યાં હતાં. એ બાદમાં બંનેનાં મોત થયાં હતાં. ત્યારથી લોકો અહીં બાળકોને દેવ સમજી પૂજા-અર્ચના કરે છે અને પોતાની માનતાઓ પણ રાખે છે.

અહીં છેલ્લાં 8 વર્ષથી ઈંટોની નાની ડેરી છે, જ્યાં લોકો પોતાની માનતાઓ પૂર્ણ થતાં અહીં ગાડીઓ ભરી ભરીને પાણીના પાઉચ અને બોટલો ચડાવી જાય છે. સ્થાનિક મંદિરની દેખરેખ રાખનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, લોકો પોતાનાં ધાર્યાં કામ થયાં બાદ અહીં આવે છે. અહીં પથરી, એપેન્ડિક્સ તથા અન્ય રોગોથી પીડાતા લોકો હોસ્પિટલના ધક્કા ખાધા બાદ અહીં માનતા રાખે છે. ત્યાર બાદ તેમની માનતા સફળ થતાં દૂર દૂરથી તેઓ પાણીની બોટલો ચડાવવા અહીં પહોંચે છે.

મોઢેરા આજુબાજુના પંથકનાં ગામડાંમાં બોરના ખારા પાણી આવતાં બોર ફેલ થતો હોય છે. જ્યાં અહીં મંદિરની બાધા રાખ્યા બાદ કેટલાંય ગામોમાં મીઠું પાણી આવતાં ગામ લોકો પ્રથમ મીઠું પાણી ટેન્કરમાં ભરીને આ મંદિરે ચડાવવા આવે છે. આમ લોકો છેલ્લાં 8 વર્ષની અહીં એક આસ્થા સાથે જોડાયેલા છે.
(સાભાર: દિવ્ય ભાસ્કર)

Niraj Patel