Navsari Dumper Driver Hit Bike : ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતના કિસ્સા સામે આવે છે, કેટલીકવાર આવા મામલામાં એવું બને છે કે કોઇનું મોત પણ થતુ હોય છે. ત્યારે હાલમાં નવસારીને અડીને આવેલા છાપરા મોગાર રોડ પર અકસ્માત સર્જાયો, જેમાં ટ્રકે બાઇકને અડફેટે લેતા એક વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયુ હતુ,
જ્યારે અન્ય એક વિદ્યાર્થીને ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જે વિદ્યાર્થીનું મોત થયુ છે, તે નવસારીની નામાંકિત સ્કૂલ એ.બી સ્કૂલના ટ્રસ્ટી રાકેશ કાલાવાડિયાનો એકનો એક દીકરો છે, જેનું નામ દર્શ કાલાવાડીયા છે. 18 વર્ષીય દર્શ એ.બી સ્કૂલમાં સવારે ફૂટબોલ રમવા ગયો હતો અને 10:15 આસપાસ તે જ્યારે પરત ઘરે ફરી રહ્યો હતો ત્યારે ઈટ ભરેલા ટ્રકે વિદ્યાર્થીઓના બાઇકને ટક્કર મારી હતી,
જેને પગલે દર્શ અને 15 વર્ષીય નિહાર કાલાણી રોડ પર પટકાયા અને આ સમયે દર્શનું ઘટના સ્થળે જ મોત થયુ, જ્યારે નિહારને ઇજાને પગલે હોસ્પિટલ ખસેડાયો. ઘટનાની જાણ થતા જ પરિવાર પર તો જાણે આભ તૂટી પડ્યું હતું. પરિવારના એકના એક દીકરાનું અકસ્માતમાં કમકમાટીભર્યુ મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. પોલિસને મામલાની જાણ થતા તેમણે ટ્રક ચાલકની અટક કરી હતી અને ટ્રક કબ્જે કરી હતી.
ઉલ્લેખનીય છે કે, નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ડમ્પર અને ટ્રક ચાલકો બેફામ બન્યા છે અને તેને લઇને ઘણા અકસ્માત સર્જાયાની ખબર પણ સામે આવતી રહે છે. ઘણા લોકો અત્યાર સુધી અકસ્માતમાં જીવ ગુમાવી ચૂક્યા છે, ત્યારે હવે બેકાબૂ બનેલા ડમ્પરે વધુ એક વિદ્યાર્થીનો ભોગ લીધો.