ખબર

નવસારીમાં રખડતા ઢોરે લીધો કોલોજિયન યુવાનનો જીવ, 20 વર્ષના આશાસ્પદ દીકરાને ગુમાવવાથી પરિવાર માથે તૂટ્યો દુઃખોનો પહાડ

મોટાભાગના શહેરમાં રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. રોડની વચ્ચે રખડતા ઢોરના કારણે ઘણા લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે તો ઘણા લોકો પોતાની આવા અક્સમાથી જીવ પણ ગુમાવતા હોય છે. હાલ આવી જ એક ઘટના નવસારીમાંથી સામે આવી છે જ્યાં એક 20 વર્ષના યુવાનને બાઈક ઉપર જતા રખડતા ઢોરે અડફેટે લેતા જીવ ગુમાવવો પડ્યો હતો.

આ બાબતે મળી રહેલી માહતી અનુસાર નવસારીના ખડસુપા ખાતે રહેતા અને બી.કોમના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી 20 વર્ષીય વિશાલ હળપતિનું કાલિયાવાડી પાસે આજે સવારે રખડતા ઢોર દ્વારા અડફેટે લેતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં દીકરાનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે નવસારી શહેરમાં ભૂતકાળમાં પણ રખડતા ઢોરના ત્રાસના અનેક કિસ્સા પ્રકાશમાં આવતા રહ્યા છે. આ બાબતે નવસારીના લોકોએ રખડતા ઢોરને લઈને પાલિકા અધિકારી અને શાસકો પર ભૂતકાળમાં પોલીસ કેસ પણ કર્યા છે. પરંતુ હજુ સુધી આ બાબતે રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા.