વાપીમાં દીકરાની અંતિમ યાત્રામાં માતાનું પણ મોત, દીકરા સાથે સાથે માતાને પણ આપવામાં આવ્યો અગ્નિદાહ

ઘણીવાર એવા કિસ્સાઓ આપણી આસપાસ બનતા હોય છે, જે સાંભળી અથવા તો જોઇ આપણે વિચલિત થઇ જઇએ. ઘણીવાર કોઇ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય અને તેનું મોત થઇ જાય તો પરિવારમાં શોક છવાઇ જતો હોય છે. પરંતુ તેની અંતિમ યાત્રામાં જો તેના જ પરિવારના કોઇ સભ્યને કંઇ થાય અને તેમનું મોત થઇ જાય તો… આવો જ એક કિસ્સો હાલમાં ગુજરાતના વાપીમાંથી સામે આવ્યો છે, જેમાં દીકરાની અંતિમ યાત્રામાં માતા ઢળી પડી અને તેમનું મોત થઇ ગયુ. તે બાદ મા-દીકરાને જોડે અગ્નિદાહ આપવામાં આવ્યો. દીકરાની અંતિમ યાત્રામાં માતાને અચાનક ચક્કર આવી જતા તેઓ ઢળી પડ્યા હતા પરંતુ તેમને હોસ્પિટલ લઇ જતા પહેલા જ તેમનું મોત થઇ ગયુ હતુ અને ત્યાં હાજર તબીબોએ પણ તેમને મૃત જાહેર કર્યા હતા.

વાપીના ટાંફી ફળિયાનો રહેવાસી એક યુવક લાંબા સમયથી બીમાર હતો અને લાંબા સમયની બીમારી બાદ તેનું મોત થઇ ગયુુ હતુ. તેની મોત બાદ તેની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી જો કે, અંતિમ યાત્રામાં તેની માતાને ચક્કર આવતા તે ઢળી પડ્યા હતા અને તેમનું મોત નિપજ્યુ હતુ. માતા અને દીકરાના મોતને પગલે પરિવાર સહિત સમગ્ર ફળિયામાં ચકચાર મચી જવા પામી હતી. માતા અને દીકરાને નામધા ખાતે સ્મશાનમાં આજુબાજુ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

ઘટનાની વિગત તપાસીએ તો, ભીખી માતા મંદિરની બાજુમાં રહેતા સુભાષભાઇ કે જેઓ 50 વર્ષના છે તેઓ ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ ઘણા સમયથી બિમાર હતા અને લાંબી બીમારી બાદ તેઓનું ગત શુક્રવારના રોજ રાત્રે મોત થઇ ગયુ હતુ. તેમનું મોત થતા પરિવારમાં પણ શોક ફેલાઇ ગયો હતો. શનિવારના રોજ તેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને ઘરેથી 500 મીટર દૂર યાત્રામાં તેમની માતા શાંતિબેનને ચક્કર આવતા તેઓ ઢળી પડ્યા હતા, તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા જો કે ત્યાં હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જણાવી દઇએ કે, થોડા દિવસ પહેલા જ સુભાષભાઇના ના ભાઇનું પણ મોત નિપજ્યુ હતુ.

Shah Jina