આ ધારાસભ્યએ ભણવાનું છોડ્યાના 40 વર્ષ બાદ આપી 10માં ધોરણની પરીક્ષા, કહ્યું: “શીખવાની કોઈ ઉંમર નથી હોતી !”

શીખવા માટેની કોઈ ઉંમર નથી હોતી, દરેક વ્યક્તિ કોઈને કોઈ ઉંમરે કઈને કઈ શીખતો રહે છે, તો ભણવા માટે પણ કોઈ ઉંમરની જરૂર નથી હોતી, આપણે ઘણા લોકોને જોયા હશે જે એક ઉંમર વટાવી ગયા પછી પણ ભણવા માટે આગળ વધતા હોય છે, હાલ એવી જ એક ઘટના સામે આવી છે, જેમાં એક ધારાસભ્યએ 40 વર્ષ પહેલા ભણવાનું છોડ્યા બાદ 10માં ધોરણની પરીક્ષા આપી.

બીજુ જનતા દળ (બીજેડી)ના ધારાસભ્ય અંગદા કન્હાર એ 5.8 લાખ વિદ્યાર્થીઓમાં સામેલ છે જેમણે ઓડિશા બોર્ડ ઓફ એજ્યુકેશનની 10મા ધોરણની પરીક્ષા આપી હતી જે કડક સુરક્ષા વચ્ચે શુક્રવારથી શરૂ થઈ હતી. માધ્યમિક શિક્ષણ બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રવર્તી રહેલી ગરમીની તીવ્ર સ્થિતિને જોતા લગભગ તમામ પરીક્ષાઓ સવારે 8 થી 9:30 દરમિયાન લેવામાં આવશે.રાજ્યના ફુલબનીના ધારાસભ્ય કન્હારએ કંધમાલ જિલ્લાના પીતાબારી ગામમાં રૂજાંગી હાઈસ્કૂલમાં પરીક્ષા આપી હતી.

તેમણે પીટીઆઈને કહ્યું, “પંચાયતના કેટલાક સભ્યો અને મારા ડ્રાઈવરે મને પરીક્ષામાં બેસવા માટે પ્રોત્સાહિત કર્યા. મને ખબર નથી કે હું પરીક્ષા પાસ કરી શકીશ કે નહીં. પરંતુ મેં ધોરણ 10નું પ્રમાણપત્ર મેળવવા માટે મારી પરીક્ષા આપી છે.” ધારાસભ્યના નજીકના સહયોગીએ જણાવ્યું હતું કે કન્હાર 1978માં છોડી ગયા હતા અને વિધાનસભાના સભ્ય બન્યા પછી ધોરણ 8ની પરીક્ષા 2019માં આપી હતી.

કન્હારમાં પરીક્ષા કેન્દ્રના સુપરિન્ટેન્ડેન્ટ અર્ચના બાસાએ જણાવ્યું કે ધારાસભ્ય સાથે કોઈ ખાસ વ્યવહાર કરવામાં આવ્યો ન હતો. બાસાએ કહ્યું, “તેમણે (ધારાસભ્ય) અન્ય વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા આપી હતી. પરીક્ષામાં બેસતા પહેલા અન્ય વિદ્યાર્થીઓની જેમ તેમની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી.”

તમને જણાવી દઈએ કે કન્હાર એકલા એવા રાજકારણી નથી જે પરીક્ષા આપી રહ્યા છે. તેમની સાથે તેમનો એક મિત્ર પણ પરીક્ષા આપી રહ્યો છે, જે ગામના સરપંચ છે. ઓડિશામાં શુક્રવારથી શરૂ થયેલી ધોરણ 10માં રાજ્ય બોર્ડની પરીક્ષામાં કુલ 5.8 લાખ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.

Niraj Patel