સુરત બાદ હવે અમદાવાદમાં પણ એડવોકેટ મેહુલ બોઘરાએ ટ્રાફિક પોલીસ કર્મીઓને કરાવ્યું નિયમોનું ભાન, ઓવર લોડિંગ ક્રેનમાંથી ટ્રાફિક પોલીસને ઉતારવા પડ્યા વાહનો, જુઓ વીડિયો
Mehul Boghra teaches traffic police in Ahmedabad : દેશભરમાં ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યાઓ થતી હોય છે અને તેમાં પણ ગુજરાતની અંદર તો તમે આ સમસ્યાના સાક્ષી હશો. લોકો આડેધડ ગમે ત્યાં પોતાના વાહનોને પાર્કિંગ કરી દે છે અને તેના કારણે અન્ય લોકો પણ મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. ત્યારે આવા પાર્કિંગ વિરુદ્ધ ટ્રાફિક પોલીસ પણ કાર્યવાહી કરતી હોય છે. પરંતુ જો ટ્રાફિક પોલીસ જ આવા નિયમનો ભંગ કરે તો ? હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ટ્રાફિક પોલીસ આ નિયમનોનો ભંગ કરતી જોવા મળે છે.
ટોઇંગ વાનમાં ભરેલા હતા ઓવરલોડ વાહનો :
સુરતના જાગૃત નાગરિક અને એડવોકેટ મેહુલ બોઘરા કાયદાનો ભંગ કરી રહેલા, લાંચ લેતા પોલીસકર્મીઓને પાઠ ભણાવવા માટે જાણીતા છે, ત્યારે આ વીડિયોને પણ મેહુલ બોઘરાએ જ શેર કર્યો છે, જેમાં પણ તે ટ્રાફિક પોલીસને કાયદાનું ભાન કરાવી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ટોઇંગ વાન નો પાર્કિંગમાં પાર્ક કરેલી બાઈકોને ઉઠાવીને જઈ રહી છે, ત્યારે મેહુલ બોઘરા આ ટોઇંગ વેનને અટકાવે છે અને પછી ટ્રાફિક પોલીસને કાયદાનું ભાન કરાવે છે.
મેહુલ બોઘરાએ કરાવ્યું કાયદાનું ભાન :
હકીકતમાં બન્યું છે કે જે ટોઇંગ વાનમાં નો પાર્કિંગમાં ઉભેલા વાહનો ટોઇંગ કરવામાં આવ્યા છે તેની સંખ્યા વાનમાં કાયદેસર વાહન ભરવાની ક્ષમતા કરતા પણ વધારે છે. મેહુલ બોઘરા ટ્રાફિક પોલીસને વ્હિકલ એક્ટની કલમ જણાવે છે, અને કહે છે કે તમે આ આટલી બધી ગાડીઓ ટીંગાડી છે જે તમારી ગાડીના સ્ટકચરની બહાર છે. નિયમ પ્રમાણે જે વ્યક્તિ સ્ટ્રક્ચરની બહાર રાખીને વાહન ચલાવે છે તો તેનું 1000 રૂપિયા ચલણ ફાટે છે.
દોઢ મીટર બહાર હતા વાહનો :
મેહુલ બોઘરા એમ પણ કહી રહ્યા છે કે તમે નો પાર્કિંગમાંથી ગાડી ઉઠાવીને તમે જ કાયદાનું ભંગ કરી રહ્યા છો. આ ગાડીની કેપિસિટી 6 વાહનની છે અને તમે તેમાં 12થી 13 ગાડીઓ અંદર ભરી છે. આ વીડિયો મેહુલ બોઘરાએ અમદાવાદમાં આવીને બનાવ્યો છે અને તેમને આઇપીએસ ઓફિસર સફીન હસન વિશે પણ વાત કરી છે. મેહુલભાઈએ જણાવ્યું કે ટોઇંગ વાનમાં ભરવામાં આવેલ વાહનો દોઢ દોઢ મીટર બધી સાઈડથી બહાર છે, જો અકસ્માત થાય તો જવાબદાર કોણ ?
અમદાવાદનો વીડિયો વાયરલ :
મેહુલ બોઘરા જેના બાદ ટ્રાફિક કંટ્રોલ રૂમમાં પણ ફોન કરે છે અને ડીસીપી ઓફિસમાં પણ વાત કરે છે, થોડીવારમાં જ પોલીસ વેન પણ આવે છે અને ક્રેનમાં ભરવામાં આવેલી વધારાની ગાડીઓને નીચે ઉતરાવે છે. જેના બાદ ક્રેનની ક્ષમતા અનુસાર ગાડીઓ ક્રેનમાં ગોઠવવામાં આવે છે અને પછી ક્રેનને આગળ જવા દેવામાં આવે છે. ત્યારે હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. મેહુલભાઈ સુરતમાં આ પ્રકારે વીડિયો બનાવતા હોય છે ત્યારે હાલ અમદાવાદમાં પણ તેમને આ વીડિયો બનાવ્યો છે.