ખબર

આવું કરાય? મહેસાણાના ગણેશપુરા ગામમાં યુવક-યુવતિને પ્રેમ લગ્ન કરવા પડી ગયા ભારે, ગ્રામજનોએ કર્યો યુવકના પરિવારનો બહિષ્કાર

ગુજરાતમાંથી અનેકવાર પ્રેમ લગ્નના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર અલગ અલગ જ્ઞાતિના યુવક યુવતિઓ પ્રેમ લગ્નના બંધનમાં બંધાઇ જતા હોય છે. હાલમાં આવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં અલગ અલગ જ્ઞાતિના યુવક યુવતિએ પ્રેમ લગ્ન કરતા ગ્રામજનો દ્વારા યુવકના પરિવારનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. આ કિસ્સો મહેસાણાનો છે. જયાં પુદગામ ગણેશપુરા ગામમાં આ ઘટના બની છે. પરિવારના બહિષ્કાર બાદ તેમને જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવા પર પણ રોક લગાવી દેવામાં આવી હતી, જે બાદ પીડિત પરિવારે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સમક્ષ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

ઘટનાની વિગત તપાસીએ તો, મહેસાણાના ગણેશપુરામાં રહેતી પટેલ પરિવારની યુવતિને ગામના સથવારા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બંનેએ પરિવારની મરજી વિરૂદ્ધ લગ્ન કર્યા હતા, જે બાદ બંને ગામમાં પતિ પત્ની તરીકે રહેતા હતા. જો કે, બંને અલગ જ્ઞાતિના હોવાને કારણે ગામના વડીલોને એ પસંદ ન પડ્યુ અને તેમણે ગામના તમામ લોકોને ઉશ્કેર્યા જે બાદ તેઓ યુવકના પરિવાર સાથે સંબંધ તોડી તેમને હેરાન પરેશાન કરતા હતા. જો કે, આ મામલે પતિ પત્નીએ ગ્રામ પંચાયતના સરપંચને રજૂઆત કરી હતી પરતુ તેમના દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નહિ.

યુવકના પરિવારજનને ગામલોકોએ જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે દૂધ, ધી અને અન્ય વસ્તુઓ નહિ આપવાનો નિર્ણય કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રેમ લગ્ન કરનારે જાણે કે મોટો ગુનો કર્યો હોય તેવી રીતે તેમનું અપમાન કરવામાં આવતુ. ઉલ્લેખનીય છે કે,એક ધાર્મિક પાટોત્સ્વમાં યુવકના પરિવારને મંદિર અને પાટોત્સ્વમાં ઉપસ્થિત રહેવાની પણ ના પાડવામાં આવી હતી.

આ સમગ્ર મામલે યુવક અને યુવતી પરિવારજનો સાથે મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી દોડી આવ્યા હતા. આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર અને મહેસાણા જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, યુવકના પરિવાર અનુસાર, તેમની ભત્રીજી ગર્ભવતી છે અને તેમને દૂધ લેવા પણ વિસનગર જવું પડે છે. તેમના ચારેય ભાઈના પરિવારનો ગામ લોકોએ બહિષ્કાર કરી દીધો છે. નવરાત્રિમાં તેઓ ગરબા ગાવા માટે ગયા તો પણ તેમને ગાવા દીધા પણ ન હતા.