સુરતની પરણીતાએ પંખે લટકીને જીવન ટૂંકાવ્યું, સોસાયટીના જ યુવકે અફેર હોવાની ખબરથી કરી હતી બદનામ, જાણો સમગ્ર મામલો
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં ઘણા લોકો આર્થિક તંગીના કારણે જીવન ટૂંકાવી લે છે તો ઘણા લોકો પારિવારિક ઝઘડાઓના કારણે પણ જીવન ટૂંકાવી લેતા હોય છે. તો કોઈ માનસિક હેરાનગતિના કારણે પણ જીવન ટૂંકાવી લેવા માટે મજબુર બને છે.
ત્યારે હાલ સુરતમાંથી એક રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. જ્યાં એક મહિલાએ ખોટા અફેરની અફવાને લઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ઉમરામાં રહેતા જયદીપ નામના યુવકે તેમની જ સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ બાળધાની પત્ની કોમલબેન સાથે તેનું અફેર છે તેવી અફવા સોસાયટીમાં ફેલાવી હતી.
આ બાબતની જાણ કોમલે તેના પતિને પણ કરી હતી. કોમલે પતિને જણાવ્યું હતું કે જયદીપના મમ્મી તેમના ઘરે આવ્યા હતા અને જણાવ્યું હતું કે તું સોસાયટીમાં લફડા કરે છે અને આખી સોસાયટીમાં તારી વાત વહેતી થઇ છે. કોમલે તેના પતિને એમ પણ જણાવ્યું હતું કે તેના કોઈ સાથે આવા કોઈ સંબંધો પણ નથી.

બીજા દિવસે પણ કોમલે તેના પતિને આ વાત કરી હતી અને જણાવ્યું હતું કે જયદીપ તેની સાથે ખોટા અફેર હોવાની વાત સોસાયટીમાં ઉડાવે છે. જેના બાદ પતિએ સવારે પોલીસ ફરિયાદ કરવાનું કહીને સુઈ જવા માટે કહ્યું હતું. પરંતુ આ વાત કોમલના મગજમાં ખુબ જ ખુંચતી હતી અને ખોટી બદનામીનો ડર પણ તેને સતાવી રહ્યો હતો.

જેના કારણે 11 ફેબ્રુઆરીની રાત્રે જ જયારે પતિ અને તેનું બે વર્ષનું સંતાન સુઈ રહ્યું હતું ત્યારે તેણે રસોડામાં જઈને ઓઢણી સાથે દુપટ્ટો બાંધીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બાળક જયારે રડ્યું ત્યારે તેનો પતિ ઉઠ્યો અને રસોડામાં જઈને જોયું તો તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. આ મામલે હવે પોલીસ ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે અને યુવકની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.