ગુજરાતમાં સતત વધી રહેલ રોડ અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટનાઓ વચ્ચે હાલમાં સુરતથી એક ચોંકાવનારી ઘટના સામે આવી. માંગરોળના પાલોદ ગામે આવેલ એક પેટ્રોલ પંપ પર સફાઈ કરી રહેલી મહિલાને એક બેફામ કારચાલકે ટક્કર મારી અને બાદમાં ફરાર થઇ ગયો. આ પછી ગંભીર ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી.

આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે અને કારચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા તજવીજ હાથ ધરાઈ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ ઘટના મુંબઈથી અમદાવાદ તરફ જતા NH-48 પર આવેલી પાલોદ ગામની સીમામાં આવેલ એક પેટ્રોલ પંપ પર બની હતી.

35 વર્ષિય સંગીતાબેન ભરતભાઈ ઠાકોર કચરો ભરી રહ્યા હતા ત્યારે એક ક્રેટા કારના ચાલકે તેમને ટક્કર મારી અને કાર સીધી તેમની ઉપર ફેરવી દીધી. કારનું વ્હીલ તેમના જમણા પગ પર ફરી વળતાં તેઓ ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના બનતા તરત જ ત્યાં હાજર અન્ય કર્મચારીઓ તાત્કાલિક સંગીતાબેનની મદદે દોડી ગયા અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

જો કે કાર ચાલક અકસ્માત બાદ ફરાર થઇ ગયો હતો.સંગીતાબેનના પરિવારે કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકની ઓળખની કાર્યવાહી શરૂ કરી છે અને આરોપીને ઝડપવા માટે તવાઈપૂર્વકની તપાસ ચાલી રહી છે. સ્થાનિક લોકોએ માંગ ઉઠાવી છે કે આવા બેદરકાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને સંગીતાબેનને પૂરતો ન્યાય અને વળતર મળે.
View this post on Instagram