ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતની ખબરો સામે આવતી રહે છે, ત્યારે હાલમાં જ થરાદ સાચોર હાઇવે પર મેસરા પાટીયા પાસે રાત્રે આઠેક વાગ્યા આસપાસ મોટરસાયકલ બાવળના ઠોઠા સાથે અથડાઇ હતી અને તેને કારણે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ભોરડુ ગામના યુવકનું મોત નિપજ્યું હતું.
થરાદના ભોરડુ ગામના રાણાભાઇ નાઈના પુત્ર વિપુલના લગ્ન પાંચ દિવસ પછી થરાદના વાઘાસણ ગામે થવાના હતા અને આ લગ્ન માટેની બંને પક્ષ દ્વારા તૈયારીઓ પણ થઇ ગઇ હતી, અને પત્રિકાઓ પણ વિતરણ થઈ ગઈ હતી. જો કે, અકસ્માતમાં યુવકનું મોત નિપજતા પરિવાર પર પણ આભ ફાટ્યુ હતુ. યુવક વડોદરા ખાતે કેટેકર્સનું કામ કરતો હતો અને લગ્ન હોવાને કારણે શનિવારના રોજ તે નોકરી પર રજા મૂકી વતન આવ્યો હતો.
લગ્નની તૈયારી આખો દિવસ કર્યા પછી તે સાંજે પાંચ વાગ્યા આસપાસ રાજસ્થાનના સાચોર ગામે તેના મિત્ર સાથે પોતાના લગ્ન માટે મોજડી ખરીદવા નીકળ્યો અને રાત્રી દરમિયાન રોડ પર એક બાવળનું ઠોઠું પડેલું ન દેખાતા મોટરસાયકલ અથડાઇ અને બે યુવકો પડ્યા.
વિપુલ નાઈનું અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત થયુ હતુ, જ્યારે એક અન્ય યુવક ઘાયલ થયો હતો. જો કે, બંને યુવકને 108 દ્રારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટર દ્વારા વિપુલને મૃત જાહેર કરાયો. વિપુલના પાંચ દિવસ પછી લગ્ન હતા, પરંતુ અકસ્માતને પગલે મોત થતા મંડપમાં લગ્નની શરણાઈની જગ્યાએ ચિચકારીઓ ગુંજી ઊઠી.
સંદેશ ન્યુઝના અહેવાલ અનુસાર, થરાદ વનવિભાગની ઘોર બેદરકારીના લીધે 22 વર્ષિય યુવકનું મોત થયુ છે, હાઇવે પર છેલ્લા ત્રણેક દિવસથી રોડ પર એક બાવળનું ઠોઠું આડું પડેલું હતું અને આને કારણે વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઇ રહ્યા હતા. આ મામલે થરાદ વન વિભાગને સ્થાનિક રહીશો દ્વારા જાણ પણ કરવામાં આવી હતી પણ વન વિભાગ દ્વારા બાવળનું ઠોઠું હટાવવામાં ન આવતા શનિવારની રાત્રે વિપુલનો જીવ ગયો.