ધોધમાર વરસાદમાં ઘોડા ઉપર બેસીને ફૂડ ડિલિવરી કરવા નીકળ્યો યુવક, હવે આ ડિલિવરી બોયને શોધી આપનારાને સ્વિગી આપશે આટલા હજારનું ઇનામ, જુઓ

ડિલિવરી બોયનું કામ ખુબ જ મુશ્કેલી ભરેલું હોય છે. ધોમ ધખતો તડકો હોય કે પછી કડકડતી ઠંડી હોય કે પછી ધોધમાર વરસાદ વરસતો હોય, તેમને કોઈપણ રીતે સમયસર ફૂડ ડિલીવર કરવા માટે પહોંચવું પડતું હોય છે. સોશિયલ મીડિયામાં પણ ઘણા ડિલિવરી બોયની કહાનીઓ સામે આવતી રહે છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક ફૂડ ડિલિવરી બોય વરસતા વરસાદમાં ઘોડા ઉપર ફૂડ ડિલિવરી આપવા જઈ રહ્યો છે.

એક દિવસ પહેલા, ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની સ્વિગીના એજન્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. દાવો કરવામાં આવ્યો હતો કે આ વીડિયો મુંબઈનો છે. વીડિયોમાં, એક સ્વિગી ડિલિવરી બોય ભારે વરસાદ વચ્ચે ઘોડા પર સવાર થઈને તેના ગ્રાહકને ભોજન પહોંચાડી રહ્યો હતો. તે દરમિયાન કોઈએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો.

આ વીડિયો વાયરલ થયા બાદ લોકોએ ભારે વરસાદ વચ્ચે સ્વિગી ડિલિવરી એજન્ટની આ બહાદુરીની પ્રશંસા કરી હતી. હવે સ્વિગી કંપનીએ પણ આ અંગે પોતાનું નિવેદન જાહેર કર્યું છે. એક સત્તાવાર નિવેદન જારી કરતી વખતે, સ્વિગી કંપનીએ કહ્યું છે કે એક વીડિયો અમારા ધ્યાનમાં આવ્યો છે જેમાં એક અજાણ્યો વ્યક્તિ અમારી કંપનીના મોનાગ્રામ ધરાવતી બેગ લઈને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે તેને ઘોડા પર પહોંચાડી રહ્યો છે.

સ્વિગી તરફથી એવું કહેવામાં આવ્યું છે કે અમે તે વ્યક્તિને તેના આયોજન અને પરિવહનની પસંદગી માટે ક્રેડિટ આપવા માંગીએ છીએ પરંતુ અમે આ કરી શકતા નથી કારણ કે તમારી જેમ અમે તે વ્યક્તિ કોણ છે તે જાણવા માટે સક્ષમ નથી. કંપનીના નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે આ વીડિયો વાઈરલ થયા બાદ ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે કે તે યુવક કોણ છે અને તે આટલા ભારે વરસાદમાં મુંબઈના રસ્તાઓ પર ઘોડો લઈને ડિલિવરી કરવા માટે કેમ બહાર આવ્યો હતો, બીજો સવાલ એ છે કે તેણે ડિલિવરી દરમિયાન તેનો ઘોડો ક્યાં પાર્ક કર્યો હતો?

આ સવાલોની સાથે કંપનીએ ઈન્ટરનેટ યુઝર્સ અને સામાન્ય લોકોને તે અજાણ્યા વ્યક્તિ વિશે માહિતી આપવા માટે પણ કહ્યું છે. એટલું જ નહીં, સ્વિગી કંપનીએ જાહેરાત કરી છે કે જે પણ ઘોડા પર સવાર ડિલિવરી બોય વિશે સૌથી પહેલા સાચી અને સચોટ માહિતી આપશે, તેને કંપની 5 હજાર રૂપિયાનું ઈનામ આપશે.

કંપનીએ કહ્યું છે કે દેશના સારા નાગરિક તરીકે આગળ આવો અને માહિતી શેર કરો. તમને જણાવી દઈએ કે વાયરલ વીડિયોમાં સ્વિગી ડિલિવરી એજન્ટ ભારે વરસાદ વચ્ચે ઘોડા પર સવારી કરતા જોવા મળે છે. આ વીડિયોને ઈન્ટરનેટ પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. વરસાદ વચ્ચે મુખ્ય રસ્તાની બાજુએ સફેદ ઘોડા પર સવારી કરતા સ્વિગીના ડિલિવરી બોયના લોકો વખાણ કરી રહ્યા છે.

Niraj Patel