મહાશિવરાત્રિ 2026: 300 વર્ષ બાદ સર્જાશે આ અદ્ભુત સંયોગ, કેવી રીતે કરશો ભોળાનાથને રાજી?

હિન્દુ ધર્મમાં ભગવાન ભોળાનાથની આરાધના માટે મહાશિવરાત્રિના પર્વને શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વર્ષે 15 ફેબ્રુઆરી, 2026ના રોજ મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવશે. શાસ્ત્રો અનુસાર, વર્ષની ચાર સૌથી પવિત્ર રાત્રિઓમાં મહાશિવરાત્રિનું વિશેષ મહત્વ છે. પૌરાણિક માન્યતા છે કે આ દિવસે શિવલિંગ પર માત્ર એક લોટો ગંગાજળ ચઢાવવાથી આખા વર્ષની તમામ માસિક શિવરાત્રિઓનું પુણ્ય પ્રાપ્ત થાય છે.

 

આ વર્ષે મહાશિવરાત્રિ પર 300 વર્ષ પછી એક અત્યંત દુર્લભ સંયોગ જોવા મળશે. ગ્રહોની ચાલ મુજબ, આ દિવસે બુધ અને શુક્રના મિલનથી લક્ષ્મી નારાયણ રાજયોગ રચાશે, જ્યારે બુધ અને સૂર્યની યુતિ બુધાદિત્ય રાજયોગ બનાવશે. આ સાથે જ સૂર્ય-શુક્રના જોડાણથી શુક્રાદિત્ય યોગ અને શનિ પોતાની કુંભ રાશિમાં હોવાથી શશ નામનો મહાપુરુષ રાજયોગ પણ બની રહ્યો છે. વિશેષ વાત એ છે કે, કુંભ રાશિમાં સૂર્ય, બુધ, શુક્ર અને રાહુની યુતિથી ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે, જે આ દિવસને જ્યોતિષની દ્રષ્ટિએ અત્યંત શક્તિશાળી બનાવે છે.

શિવનો અર્થ જ છે ‘બ્રહ્મ’ :

શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણિત તમામ દેવતાઓમાં દેવાધિદેવ મહાદેવ જ એવા છે જે સૌથી સરળતાથી પ્રસન્ન થાય છે. શ્રદ્ધાપૂર્વક ગંગાજળના એક માત્ર ટીપાથી પણ તેમનો અભિષેક કરી શકાય છે. શિવનો અર્થ જ ‘બ્રહ્મ’ થાય છે. આપણા શરીરમાં શક્તિ અને પુરુષનું જે સંતુલિત અને સમાહિત સ્વરૂપ છે, તે જ બ્રહ્મ છે અને તે જ શિવ છે.

મહાશિવરાત્રિ પૂજન: તમારી મનોકામના મુજબ કરો આ વિશેષ ઉપાય

પૌરાણિક માન્યતા અનુસાર, મહાશિવરાત્રિના પવિત્ર દિવસે જ ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ દિવસે જો સાચી રીતે પૂજા કરવામાં આવે તો અશક્ય કામ પણ શક્ય બને છે. ભક્તોએ મહાદેવના અભિષેક માટે જળ, શુદ્ધ દૂધ, મધ અને ઘીનો ઉપયોગ કરવો જોઈએ. તમારી વિશેષ ઈચ્છા પૂરી કરવા માટે શિવલિંગ પર નીચેની વસ્તુઓ અર્પણ કરો:

  • ધન-લક્ષ્મીની પ્રાપ્તિ માટે: બિલીપત્ર ચઢાવો.

  • જીવનમાં સુખ-શાંતિ માટે: ભાંગનો પ્રસાદ અર્પણ કરો.

મોક્ષ અને મુક્તિ માટે: ધતૂરો ચઢાવો.


પૌરાણિક કથા: અજાણતા કરેલી ભક્તિનું અનંત ફળ

મહાશિવરાત્રિના મહિમા સાથે એક સુંદર કથા જોડાયેલી છે. એક ભીલ શિકારી શિકારની શોધમાં આખી રાત બિલીના વૃક્ષ પર છુપાઈને બેઠો હતો. રાત્રિ દરમિયાન શિકાર તો ન મળ્યો, પરંતુ જાગરણને કારણે અને ભૂખ-તરસને લીધે તેના શરીરની હિલચાલથી બિલીપત્ર તૂટીને નીચે રહેલા શિવલિંગ પર પડતા રહ્યા.

ભલે આ પૂજા અજાણતા થઈ હતી, પણ તે રાત્રિ મહાશિવરાત્રિની હતી. શિકારીના આ અજાણતા કરેલા જાગરણ અને બિલિપત્રના અભિષેકથી ભોળાનાથ અત્યંત પ્રસન્ન થયા. શિવજીએ તેને પ્રગટ થઈને આશીર્વાદ આપ્યા કે, તે રાતભર જાગીને મારું પૂજન કર્યું છે, તેથી તારું જીવન સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે. આ કથા સાબિત કરે છે કે મહાદેવ માત્ર સાચા ભાવના ભૂખ્યા છે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

POOJA PARMAR
error: Unable To Copy Protected Content!