મળો કારગિલ હિરો દીપચંદ અને ઉદય સિંહને, દેશની સુરક્ષામાં દિવ્યાંગ થયા પણ હાર્યા નહિ- જરૂર વાંચજો સ્ટોરી

દિલમાં જરા પણ દેશભક્તિ હોય તો જરૂર વાંચજો આ સ્ટોરી….આ છે ‘કારગિલ યુદ્ર’ના હિરો દીપચંદ અને ઉદય સિંહ, જંગમાં હાથ પગ ખોઇ દીધા, પણ હાર્યા નહિ

ભારતીય ઇતિહાસ એવા યોદ્ધાઓની વીર ગાથાઓથી ભર્યો પડ્યો છે, જેમણે પોતાના શોર્ય અને અદમ્ય સાહસથી દેશના દુશ્મનોને નેસ્ત-ઓ-નાબુદ કરી દીધા. ઇતિહાસની બુકમાં પ્રથમ વિશ્વયુદ્ધથી લઇ કારગિલ યુદ્ધ સુધી, દેશના હજારો જવાનોની શોર્ય ગાથાઓ છે. કારગિલના યુદ્ધને ભલે વર્ષો વીતી ગયા, પરંતુ જીવ જોખમમાં મૂકીને યુદ્ધ જીતનારા યોદ્ધાઓની કહાની દર વર્ષે જીભ પર રહે છે. એવા જ બે બહાદુર યોદ્ધા છે દીપચંદ સિંહ અને ઉદય સિંહ,

જેમણે ‘કારગિલ યુદ્ધ’ દરમિયાન અત્યંત મુશ્કેલ સંજોગોમાં પોતાની બહાદુરીથી પાક સેનાને હરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે આ યુદ્ધમાં વિજયનો હીરો બન્યા, પણ બંને પગ ગુમાવી બેઠા. હરિયાણાના હિસાર જિલ્લાના નિવાસી નિવૃત્ત લાન્સ નાઈક દીપચંદ સિંહ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ પાસેથી પ્રેરણા લઈને ભારતીય સેનાની 1889 Missile Regiment માં ‘ગનર’ તરીકે ભરતી થયા હતા. જ્યારે આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં પગ ફેલાવી રહ્યા હતા ત્યારે દીપચંદ ત્યાં પોસ્ટેડ હતા.

આ દરમિયાન તેમણે અનેક એન્કાઉન્ટરમાં 8 આતંકીઓને ઠાર કર્યા હતા. આ પછી વર્ષ 1999માં, તેઓ ‘કારગિલ યુદ્ધ’માં ‘ટાઈગર હિલ’માં પોસ્ટેડ હતા.’કારગિલ યુદ્ધ’ દરમિયાન દીપચંદ ‘ઓપરેશન વિજય’માં તોલોલિંગ પર શેલ છોડનાર પ્રથમ સૈનિક હતા. આ દરમિયાન તેમણે તોલોલિંગની સૌથી મુશ્કેલ ટેકરી પર પોતાની હિંમત બતાવી. દીપચંદે પાક આર્મીના અંધાધૂંધ ગોળીબાર વચ્ચે માત્ર પોતાનો જીવ જ ન બચાવ્યો પણ ઘણા સાથીઓને જીવતા પાછા પણ લાવ્યા હતા.

પરંતુ આ યુદ્ધમાં તેમણે એક હાથ અને બંને પગ ગુમાવી દીધા. આજે દીપચંદ પ્રોસ્થેટિક પગની મદદથી ફરીથી દેશ માટે લડવાની વાત કરે છે. દીપચંદ કહે છે, ‘કારગિલ યુદ્ધ દરમિયાન મારી તૈનાતી ટાઈગર હિલની 17 હજાર ફૂટની ઊંચાઈ પર હતી. આ એક એવો વિસ્તાર છે જ્યાં કડકડતી ઠંડીમાં શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. અમે ઘણા દિવસો સુધી દોરડાની મદદથી ખુલ્લા પગે યુદ્ધ લડ્યા. આ દરમિયાન એક ક્ષણ એવી પણ આવી જ્યારે મારા મિત્ર મુકેશનું ફાયરિંગમાં મારા હાથે મોત થયું.

અન્ય એક સાથીની ગરદન ઉડી ગઈ હતી પરંતુ તે શ્વાસ લઈ રહ્યો હતો. પરંતુ યુદ્ધ દરમિયાન અમે બધાએ એકબીજાને વચન આપ્યું હતું કે આ યુદ્ધમાં જે પણ બચશે તે બીજાના પરિવારના સભ્યોને ચોક્કસ મળશે. આજે હું પણ એ જ કરી રહ્યો છું’. ભૂતપૂર્વ CDS જનરલ બિપિન રાવતે પણ ‘કારગિલ વિજય દિવસ’ દરમિયાન તેમની બહાદુરી માટે નાયક દીપચંદને ‘કારગિલ વોરિયર’ના બિરુદથી સન્માનિત કર્યા હતા. આજે, દીપચંદ ‘આદર્શ સૈનિક ફાઉન્ડેશન’ દ્વારા ફરજ દરમિયાન અપંગ સૈનિકોના કલ્યાણ માટે કામ કરી રહ્યા છે.

વર્ષ 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન ઉદય સિંહ પણ ભારતીય સેનાનો ભાગ હતા. આ દરમિયાન તેમની પોસ્ટિંગ ‘ટાઈગર હિલ’ વિસ્તારમાં પણ હતી. આ એ જ વિસ્તાર હતો જે ‘કારગિલ યુદ્ધ’ની જીતનો સૌથી મહત્વપૂર્ણ મુદ્દો સાબિત થયો હતો. આ યુદ્ધ ક્ષેત્રમાં ભારતીય સેનાએ તેના મોટાભાગના સૈનિકો ગુમાવ્યા હતા. ઉદયસિંહનું પોસ્ટિંગ પણ આ વિસ્તારમાં હતું. જ્યારે તે પોતાના સાથીઓ સાથે ‘ટાઈગર હિલ’ પર ચઢી રહ્યા હતા, તે દરમિયાન પાક સેનાએ તેમના પર ગોળીબાર કર્યો હતો.

પાકિસ્તાની સૈનિકો દ્વારા કરવામાં આવેલા આ ગોળીબારમાં ઉદય સિંહે તેમના 10થી વધુ સાથીઓ ગુમાવ્યા હતા. પરંતુ તેમણે પોતાની હિંમત બતાવીને માત્ર ઘણા પાકિસ્તાની સૈનિકોને જ ન માર્યા પણ ઘણા સાથીઓનો જીવ પણ બચાવ્યો. પરંતુ આ યુદ્ધમાં તેમણે બંને પગ ગુમાવ્યા. ઉદય સિંહ દેશની યુવા પેઢી માટે પ્રેરણારૂપ બન્યા છે. આજે ઉદય સિંહ દીપચંદ સાથે ‘આદર્શ સૈનિક ફાઉન્ડેશન’ દ્વારા ફરજ દરમિયાન અપંગ સૈનિકોના કલ્યાણ માટે કામ કરી રહ્યા છે.

Shah Jina