ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં જ ખેડાના કપડવંજ-નડિયાદ રોડ પર ST બસ અને થાર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી. થારમાં 4 લોકો સવાર હતા, જેમાંથી એકનું મોત થયું છે. મૃતકની ઓળખ કૃણાલ ઠાકોર તરીકે થઇ છે.જે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતો હતો.અકસ્માત એટલો ભયાનક હતો કે થારના પરખચ્ચા ઉડી ગયા હતા.

પ્રાપ્ત જાણકારી અનુસાર, કપડવંજથી નડિયાદ તરફ જતી એસટી બસ ફતિયાબાદ કેનાલ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે રોંગ સાઈડમાં આવેલ થાર એસ.ટી બસના આગળના ભાગે ધડાકાભેર અથડાઈ. થાર સાથે ટક્કર બાદ એસ.ટી બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો અને બસ રોડની નીચે ઉતરી નજીકના ઝાડ સાથે ભટકાઈ.

અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને શિહોરા ગામના સરપંચ દોડી આવ્યા હતા. એવી માહિતી સામે આવી રહી છે કે 15 જેટલા લોકો ઘાયલ છે. પ્રાથમિક તપાસમાં મૃતક કૃણાલ ઠાકોર કપડવંજના આંતરોલી ગામમાં પોતાની સાસરીમાં જઈ રહ્યો હોવાનું સામે આવ્યુ છે. અકસ્માત મામલે પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, અકસ્માત સમયે થારની ગતિ 100 કિમી પ્રતિકલાકથી વધુની હતી.

હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, કપડવંજથી નડિયાદ તરફ જઈ રહેલ મહિન્દ્રા થાર પુરપાટ ઝડપે આવી રહી હતી અને અચાનક સામેથી આવી રહેલ એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ. હાલ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.