આ છે જૂનાગઢના કેશોદનો “બાહુબલી” જે દાંતથી ઉઠાવી લે છે 60 કિલો વજન, સપનું હતું આર્મીમાં જવાનું, પરંતુ આ એક ભૂલના લીધે રહી ગયું અધૂરું

આ છે અસલી બાહુબલી, 7 તસવીરો જોઈને ફેન બની જશો

ઘણા લોકોમાં એવી શક્તિઓ હોય છે જેને જોઈને આપણે પણ ઘણીવાર દંગ રહી જઈએ.  ત્યારે હાલ જુનગઢમાં આવેલા કેશોદના વતની એવા એક બોડી બિલ્ડર સોશિયલ મીડિયામાં છવાયેલો છે. જેને લોકો બાહુબલી તરીકે પણ ઓળખે છે.

આ 22 વર્ષીય યુવકનું નામ છે સાગર ઠક્કર. જે પોતાના દાંતથી જ 50થી 70 કિલો વજનની આખી ગુણી ઉઠાવી શકે છે આ ઉપરાંત તે આખી બાઈક પણ પોતાના ખભે ઊંચકી શકે છે. પરંતુ હાલ આ યુવાન મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે.

સાગરનું સપનું ભારતીય આર્મીમાં જોડાવવાનું હતું. પરંતુ પહેલા કરેલી એક ભૂલના કારણે તેનું સપનું રોળાઈ ગયું હતું. સાગરે પોતાના શરીર ઉપર ટેટુ બનાવ્યા હતા, જેના કારણે તેનું ભારતીય સેનામાં સિલેક્શન ના થઇ શક્યું.

તમને જાણીને નવાઈ લાગશે કે મજૂરી કામ કરતો હોવા છતાં પણ તે પોતાના મિત્રો સાથે વજન ઊંચકવાની શરત પણ રાખે છે અને તેમાંથી જે રકમ જીતે છે તે ગાયોને ચારો નાખવાના ધર્માદા કામની અંદર જ વાપરી નાખે છે. આ કામથી સાગરને ખુશી પણ મળે છે.

સાગર કેશોદના પ્રભાતનગર વિસ્તારમાં રહે છે. તે ખુબ જ સામાન્ય અને સંયુક્ત પરિવારમાંથી આવે છે. સાગર પોતાનું ગુજરાન ચલાવવા માટે કારખાનામાં નોકરી કરે છે. કારખાનાની અંદર શીંગદાણાની ગુણી ઊંચકવાની હોય સાગરનું શરીર ખુબ જ કસાઈ ગયેલું છે.

સાગરની ક્ષમતાની જો વાત કરવામાં આવે તો સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ એક ગુણી ઉપાડી શકે, પરંતુ સાગર એક સાથે ત્રણ ત્રણ ગુણી પોતાના ખભા ઉપર ઉઠાવીને આરામથી ચાલી શકે છે. એટલું જ નહિ ત્રણ ગુણીની સાથે સાથે તે એક માણસને પણ ઉઠાવીને ચાલી શકે છે.

સાગર પોતાના દાંતથી જ 50થી 60 કિલો વજન ઊંચકી અને 100 મીટર સુધી ચાલી પણ શકે છે. સાગરના વજન ઉંચકવાના કિસ્સાઓ સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહ્યા છે અને તેના બળની લોકો ખુબ પ્રસંશા પણ કરી રહ્યા છે.

જો વાત કરીએ સાગરના ખોરાક વિશેની તો કોઈને પણ એમ થાય કે સાગર નોન વેજ ખાઈને આ તાકત મેળવતો હશે, પરંતુ તમને જણાવી દઈએ કે સાગર શુદ્ધ શાકાહારી છે. તેને ખોરાકમાં બટાકા સૌથી વધુ પ્રિય છે. સાગર ખોરાકમાં બટાકાની બનેલી વાનગીઓ લેવાનું પસંદ કરે છે.

Niraj Patel