35 વર્ષ બાદ ઘરમાં થયો દીકરીનો જન્મ, તો પૌત્રી માટે ખેડૂત દાદાએ કર્યું આ શાનદાર કામ, જોઈને તમે પણ સલામ કરશો

આપણા દેશની અંદર ઘણા પરિવારો એવા છે જ્યાં આજે પણ દીકરીને ભાર રૂપ સમજવામાં આવે છે. તો ઘણા પરિવારો અને સમાજની અંદર આજે પણ બાળ વિવાહ અને દીકરીને ના ભણાવવા જેવા દુષણો વ્યાપેલા છે.  પરંતુ આવા જ સમાજ અને પરિવારો માટે એક મોટી મિસાલ બનતો એક કિસ્સો હાલ સામે આવ્યો છે.

નાગૌર જિલ્લાના કુચેરા ક્ષેત્રના નિમ્બડી ચાંદાવતા ગામની અંદર એક સામાન્ય ખેડૂત પરિવાર દ્વારા તેમના ઘરે દીકરી જન્મતા એવો ઉત્સવ મનાવ્યો કે તે જાણીને તમે પણ ખુશીથી ઝૂમી ઉઠશો. કોરોના સંકટ કાળની અંદર દીકરી જન્મની આ ખબર તમને પણ ગર્વ અપાવે એવી છે.

ખેડૂત મદનલાલ પ્રજાપતિના ઘરે 35 વર્ષ બાદ એક દીકરીનો જન્મ થયો, જે તેમની પૌત્રી સિદ્ધિ છે. આ પૌત્રી જન્મની ખુશી આખા પરિવારે અનોખા અંદાજમાં મનાવી. મળતી માહિતી અનુસાર પૌત્રીને તેના મોસાળમાંથી હેલીકૉપ્ટર દ્વારા લાવવામાં આવી. એટલું જ નહીં હેલિપેડથી લઈને ઘરના રસ્તામાં ગામના લોકોએ દીકરી જન્મના સન્માનમાં ફૂલો પણ બિછાવ્યાં હતા. જેના માટે 10-12 દિવસ પહેલાથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.

આ બાબતે એક ઇન્ટરવ્યૂમાં દીકરીના પિતા હનુમાન પ્રજાપતિએ જણાવ્યું કે તે પોતાની દીકરીને પહેલીવાર પોતાના ઘરમાં સ્વાગત કંઈક અલગ રીતે કરવા માંગતા હતા. સાથે એમ પણ કહ્યું કે મારી દીકરી મારા અને મારા પરિવાર માટે કેટલી ખાસ છે એ જતાવવા માટે હું વધારેમાં વધારે આજ કરી શકતો હતો.

તો હનુમાનના પિતા મદદનલાલની ઈચ્છા હતી કે બાળકીના જન્મને દિલથી મનાવવામાં આવે. જેના કારણે દીકરીને પહેલીવાર ઘરે હેલીકૉપ્ટર દ્વારા લાવવામાં આવી.

જાણકારી પ્રમાણે બાળકીનો જન્મ ત્રણ માર્ચના રોજ નાગૌર જિલ્લા હોસ્પિટલમાં થયો હતો. જેના બાદ બાળકી પોતાની માતા સાથે તેના મોસાળ હરસોલાવ ગામ ચાલી ગઈ હતી. ચાંદાવતાથી હરસોલાવનું અંતર રોડ દ્વારા લગભગ 40 કિલોમીટર છે. જેને હેલીકૉપ્ટર દ્વારા પહોંચવામાં ફક્ત 10 મિનિટનો સમય લાગ્યો. હનુમાને દીકરા દીકરીમાં ફર્ક ના કરવા વિશે પણ લોકોને આગ્રહ કર્યો.

Niraj Patel