કુદરતની આ ક્રુરતા તો જુઓ સાહેબ, હૃદય પણ પથ્થર થઈ ગયુ, સગાવહાલા પીડાઈ પીડાઈને નજર સામે મૃત્યુ પામ્યાં
ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહે છે, જેમાં કેટલાક લોકો મોતને પણ ભેટે છે. જો કે, હાલ જે ખબર સામે આવી એ તો ખૂબ જ ખૌફનાક છે. રાજસ્થાનના જોધપુરના શેરગઢ વિસ્તારના ભૂંગરા ગામમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો અને આ ઘટનામાં 25 લોકો મોતને ભેટ્યા છે. મૃતકોમાં દુલ્હાના પિતાનો પણ સમાવેશ થાય છે. આ પહેલા તેની માતાનું અવસાન થયું હતું. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. બાડમેર જિલ્લાના ખોખસર (ગીડા)ના રહેવાસી વિજયસિંહની સૌથી નાની પુત્રી ઓમકંવરની લગ્નની જાન જોધપુરના શેરગઢ ભૂંગરાથી આવવાની હતી,
જ્યાં એક દિવસમાં દુલ્હા સહિત લગભગ 60 લોકો સિલિન્ડર બ્લાસ્ટને કારણે દાઝી ગયા હતા. આ સમાચાર દુલ્હનના ઘરે પહોંચતાની સાથે જ લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઇ. એવું કહેવામાં આવી રહ્યું છે કે શેરગઢના ભૂંગરાથી નીકળ્યા બાદ ગુરુવારે સાંજે 4 વાગ્યે જાન બાડમેરના ખોખસર પહોંચવાની હતી અને લગભગ 3.30 વાગ્યા આસપાસ દુલ્હનના ભાઈએ એવું પૂછવા ફોન કર્યો કે જાન નીકળી કે નહીં ? ત્યારે કોઈ બાળકે ફોન ઉપાડ્યો અને ચારેબાજુ રડવાનો અવાજ સંભળાયો. જ્યારે બીજા કોઈ સાથે તેણે વાત કરી તો સમાચાર મળ્યા કે દુલ્હાના ઘરમાં ગેસ સિલિન્ડર ફાટવાને કારણે અકસ્માત થયો છે
અને ઘણા લોકો દાઝી ગયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ બધું સાંભળીને દુલ્હનના ભાઇના પગ નીચેથી તો જમીન જ સરકી ગઈ. જાન આવવાની તૈયારીઓ ચાલી રહી હતી, મંડપ પણ સજેલો હતો અને મહિલાઓ લગ્ન ગીતો ગાતી હતી. જો કે, આ વાત દુલ્હનના પિતા હાર્ટ પેશન્ટ હોવાને કારણે તેમનાથી છુપાવવામાં આવી હતી. 8 ડિસેમ્બરે બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં દુલ્હાના માતા-પિતા સહિત પરિવારના 25 સભ્યોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યા છે.
પરિવારમાં દરેકને કાંધ આપતા દુલ્હાના ભાઇ સંગ સિંહની હાલત હવે ખરાબ છે. તે કહે છે કે માતા-પિતા, બહેન, બે બાળકો બધાને ભગવાને મારો ખભો આપ્યો. તે પણ આવી હાલતમાં… કોણ જાણે ભગવાને મને કેમ જીવતો રાખ્યો. જણાવી દઇએ કે, રાજસ્થાનની ગેહલોત સરકારે જોધપુર સિલિન્ડર બ્લાસ્ટના પીડિતોને સહાયના પેકેજમાં 3 લાખ રૂપિયાનો વધારો કર્યો છે. 2 લાખને બદલે હવે 5 લાખ રૂપિયા સીએમ રિલીફ ફંડમાંથી મળશે. શેરગઢના ધારાસભ્ય મીના કંવરે આ માહિતી આપી હતી.
મૃતકોને 20 લાખનું પેકેજ મળશે. પૂર્વ સીએમ વસુંધરા રાજે જોધપુર પહોંચ્યા હતા અને ભૂંગરા ગામ જઈને પીડિતોને મળ્યા હતા. પૂર્વ સીએમએ કમિટી બનાવીને રાહત આપવાની વાત કરી હતી. સમિતિ સર્વે કરશે અને રાહત આપવાનું કામ કરશે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને 17 લાખ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. મંગળવારે પેકેજમાં 3 લાખ રૂપિયાનો વધારો કરવાનો દાવો કરવામાં આવ્યો છે.