ગુજરાતી એક્ટ્રેસ જાનકી બોડીવાલાને હાલમાં જ ફિલ્મ ‘શૈતાન’ માટે કિંગ શાહરૂખ ખાનના હસ્તે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો IIFA એવોર્ડ મળ્યો. જાનકીના લાઇફના આ ખાસ મોમેન્ટમાં તેની સાથે ગુજ્જુ અભિનેતા યશ સોની પણ હતો. જાનકીને એવોર્ડ મળ્યા બાદ યશ સોનીએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો.
યશે લખ્યુ- જાનકી બોડીવાલાને IIFA એવોર્ડમાં જીત બદલ અભિનંદન અને એ પણ કિંગ ખાન દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો. તું તેને લાયક છે ગર્લ. ગો બિગ ! આ ખરેખર પ્રેરણાદાયક છે. જણાવી દઇએ કે, જયપુરથી IIFA એવોર્ડ લઇ અમદાવાદ પરત ફરેલી જાનકી સાથે યશ સોનીને પણ ગુજ્જુરોક્સના પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવ્યો હતો.
ગુજરાતી સિનેમાના ફેવરેટ એક્ટર્સમાંના એક એવા યશ અને જાનકી એકસાથે સ્પોટ થયા હતા, બંનેને એકસાથે કારમાં પરત ફરતા પણ સ્પોટ કરવામાં આવ્યા હતા. પરિવાર અને ફેન્સ દ્વારા IIFA એવોર્ડ સાથે પરત ફરેલી એક્ટ્રેસ જાનકીનું ગુજરાતી ઢબે સ્વાગત કરવામાં આવ્યુ. જાનકી આવતાની સાથે તેના પર ફૂલોની વર્ષા કરવામાં આવી અને ઢોલ નગારા સાથે તેનું વેલકમ કરાયુ.
એરપોર્ટ પર પરિવાર અને ફેન્સનો પ્રેમ જોઇ જાનકી ભાવુક થઇ ગઇ હતી અને તેણે તમામનો આભાર માન્યો હતો. જાનકીએ આ દરમિયાન ગુજ્જુરોક્સ સાથે ખાસ વાતચીત પણ કરી હતી. જ્યારે ગુજ્જુરોક્સની ટીમે જાનકીને પૂછ્યુ કે શાહરૂખ ખાનના હાથે તમને એવોર્ડ મળ્યો શું કહેશો ?
જાનકીએ જવાબ આપ્યો- બહુ જ સારુ લાગી રહ્યુ છે, બધાને થેંક્યુ સો મચ કે બધાએ આટલો બધો સપોર્ટ આપ્યો છે. અત્યારે હું બહુ જ ખુશ છુ.ઉલ્લેખનીય છે કે, ‘શૈતાન’ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ‘વશ’ની હિન્દી રિમેક છે, જેમાં હિતુ કનોડિયા, હિતેન કુમાર અને જાનકી બોડીવાલા મુખ્ય ભૂમિકામાં હતા. ઉલ્લેખનીય છે કે, વશ ફિલ્મમાં જાનકીએ દમદાર અભિનય કર્યો હતો.
ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’થી કરિયરની શરૂઆત કરનાર જાનકીએ ‘ઓ તારી’ ‘તંબુરો’, ‘દોડ પકડ’, ‘છુટ્ટી જાયે છક્કા’, ‘તારી માટે વન્સ મોર’, ‘બાઉ ના વિચાર’, ‘નાડી દોષ’ અને ‘વશ’ જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું. જાનકીએ વર્ષ 2019માં મિસ ઈન્ડિયા કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો અને તે આ સ્પર્ધામાં ટોપ-3માં પહોંચી હતી.