કેનેડામાં ભારતીય વિદ્યાર્થીનું મોત, સાયકલથી રસ્તો પાર કરતા સમયે કચડી નાખ્યો, 1 વર્ષ પહેલા જ ગયો હતો ટોરંટો

આજ કાલ તો લોકો વિદેશમાં ભણવા અને નોકરી કરવા જતા હોય છે. ત્યારે ઘણીવાર એવું બને છે કે, ત્યાં તેઓ કોઇ અકસ્માતનો ભોગ બનતા હોય છે. આવા ઘણા કિસ્સાઓમાં તેઓ મોતને પણ ભેટતા હોય છે. ત્યારે હાલમાં સમાચાર કેનેડાથી સામે આવ્યા છે. કેનેડાના ટોરંટોમાં સાયકલથી રસ્તો પાર કરતા સમયે ભારતીય વિદ્યાર્થી કાર્તિક સૈની પિકઅપ ટ્રકની ચપેટમાં આવી ગયો અને તેનું દર્દનાક મોત થઇ ગયુ. મીડિયા અહેવાલો અનુસાર, 20 વર્ષિય ભારતીય વિદ્યાર્થી કાર્તિક સૈની એક વર્ષ પહેલા જ કેનેડા ગયો હતો.

સમાચાર વેબસાઇટ cbc.ca એ શુક્રવારના રોજ પ્રકાશિત એક રીપોર્ટમાં મૃતકની કઝિન બહેન પરવીન સૈનીના હવાલાથી લખ્યુ છે કે, કાર્તિક સૈની ઓગસ્ટ 2021માં ભારતથી કેનેડા આવ્યો હતો. પરવીન સૈની અને મૃતક કાર્તિક સૈનીનો પરિવાર હરિયાણાના કરનાલમાં રહે છે. પરવીને કહ્યું કે પરિવારને આશા છે કે કાર્તિકના મૃતદેહને યોગ્ય દફનવિધિ માટે વહેલી તકે ભારત મોકલવામાં આવશે. સીબીસી રિપોર્ટમાં જણાવાયું છે કે શેરિડન કોલેજે પણ પુષ્ટિ કરી છે કે કાર્તિક આ કોલેજનો વિદ્યાર્થી રહ્યો છે.

કોલેજે શુક્રવારે જાહેર કરેલા ઈ-મેઇલમાં જણાવ્યું હતું કે, કાર્તિકના આકસ્મિક અવસાનથી અમારો સમુદાય ખૂબ જ દુઃખી છે. અમે તેના પરિવાર, મિત્રો, સહકાર્યકરો અને પ્રોફેસરો પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરીએ છીએ. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે સાંજે લગભગ 4.30 વાગ્યે યોંગ સ્ટ્રીટ અને સેન્ટ ક્લેયર એવન્યુ પાસે ભીષણ ટક્કર થઈ હતી. ટોરોન્ટો પોલીસ ઓપરેશન્સ (@TPSOoperations)એ ટ્વીટ કર્યું કે મિડટાઉનમાં એક પિકઅપ ટ્રક દ્વારા અથડાવાથી અને ઘસડાવાથી એક સાયકલ સવારનું મૃત્યુ થયું.

ઇમરજન્સી સેવાઓની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી પરંતુ સાઇકલ સવાર કાર્તિક સૈનીનું સ્થળ પર જ મોત થયુ હતુ. ટોરોન્ટો પોલીસ સર્વિસના પ્રવક્તા કોન્સ્ટેબલ લૌરા બ્રાબેન્ટે જણાવ્યું હતું કે અથડામણના સંજોગોમાં તપાસ ચાલુ છે. એનડીટીવીના અહેવાલ મુજબ, જ્યાં અથડામણ થઈ હતી તે સ્થળે એક અસ્થાયી સ્મારક બનાવવામાં આવ્યું છે. ટોરોન્ટોમાં એક વકીલ જૂથે 30 નવેમ્બરના રોજ કાર્તિકના સન્માનમાં રાઇડ સાઇકલ રાઇડનું આયોજન કર્યું છે. રાઇડના સહભાગીઓ બ્લૂર સ્ટ્રીટ અને સ્પેડિના એવન્યુ ખાતે મેટ કોહેન પાર્કમાં મળશે. રાઈડ ક્રેશ સાઈટ પર ઘોસ્ટ બાઈકના પ્લેસમેન્ટ સાથે સમાપ્ત થશે.

Shah Jina