ઘણા લોકો એવા હોય છે જે માથે આવી પડેલી આફતોનો સામનો નથી કરતી શકતા, પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જે આફતને અવસરમાં પણ બદલી નાખે છે. ઘણા લોકો પાસે એવી કારીગરી પડી હોય છે જેની તેમને ખુદને પણ ખબર નથી હોતી, પરંતુ જયારે અવસર આવે છે ત્યારે તેમના હાથમાં રહેલી અદભુત કારીગરી દુનિયા સામે ચર્ચાનો વિષય પણ બની જતી હોય છે.
આવી જ એક કહાની છે ગ્રામપંચાયત સોનાનીના પીથાપુરા જવાના રસ્તે 20 વર્ષથી ઝૂંપડામાં રહેતા રમેશ કુમાર જોગીની. જેમને આફતને અવસરમાં બદલી અને પોતાની કારીગરી દ્વારા એવું કામ કર્યું કે આજે ઠેર ઠેર તેમનું જ નામ લેવાઈ રહ્યું છે. રમેશભાઈને વાંસફોડીયા તરીકે પણ ઓળખવામાં આવે છે.
એક સમય એવો હતો જયારે આ પરિવાર વાંસમાંથી ઘરવપરાશની સામગ્રી બનાવતો હતો, છાબડી જેવી વસ્તુઓ બનાવી આ પરિવાર પોતાના પેટનો ખાડો પૂરતો હતો. 50-100 રૂપિયાની આ વસ્તુઓની ડિમાન્ડ ધીમે ધીમે ઓછી થવા લાગી. જેના કારણે પરિવાર દ્વારા કરવામાં આવતો આ વ્યવસાય પણ બંધ થવાના આરે આવી ગયો જેના કારણે 5 દીકરા અને બે દીકરી સહિતના આ પરિવારના માથે આર્થિક મુસીબત પણ આવી ગઈ.
પરંતુ રમેશ જોગીએ માથે આવી પડેલી આ આફતને અવસરમાં ફેરવી નાખી છે. પતિ-પત્ની હવે વાંસની ડિઝાઇનર ઝૂંપડીઓ બનાવે છે, જેની બંગલા કે હોટલોમાં ભારે માગ છે. આવી ઝૂંપડીનો એવો ક્રેઝ છે કે આબુ રોડ પર એક ઝૂંપડી સાડાપાંચ લાખ રૂપિયામાં પણ વેચાઈ ચુકી છે. લોકોને આ ઝુંપડીઓ ખુબ જ પસંદ આવે છે અને પોતાના બંગલાની બહાર કે હોટલની અંદર શોભા વધારવા માટે તેને મૂકે છે.
રમેશભાઈ અને તેમના પરિવાર દ્વારા બનાવવામાં આવતી આ ઝૂંપડીઓની ડિઝાઇન એવી હોય છે કે વરસાદના છાંટા પણ અંદર નથી આવતા કે વાવાઝોડામાં પણ નુકસાન નથી થતું. આવી ઝુંપડીઓની માઉન્ટ આબુ તેમ જ ગુજરાતના પાલનપુર, મહેસાણા, સિદ્ધપુર સહિતનાં સ્થળોએ હોટલ, ઢાબા, ફાર્મ હાઉસ ઉપર ખુબ જ ડિમાન્ડ રહે છે.
રમેશભાઈને આ એક ઝૂંપડી તૈયાર કરતાં ઓછામાં ઓછા 10 દિવસ લાગે છે. એના નિર્માણ અને રંગોની સજાવટમાં તેમના પત્ની ઉગમ દેવી પણ મદદ કરે છે. રમેશે બનાવેલી ઝૂંપડીઓ શરૂઆતમાં ગામ-કસ્બાના ઢાબા માટે વેચાતી હતી. ધીમે-ધીમે એની માગ મોટી હોટલો સુધી પહોંચી.
ઝૂંપડી બનાવવાના આ વ્યવસાયથી રમેશભાઈને સારી આવક મળવા લાગી, તે હવે માસિક 60 હજારથી પણ વધુની કમાણી કરી રહ્યા છે. તેમના દ્વારા બનાવવામાં આવેલી આ ઝુંપડીઓ 45 હજારથી લઈને 5.5 લાખ સુધી વેચાઈ રહી છે.