કિશન ભરવાડ હત્યા કેસમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન, ગામના આગેવાનો તથા ઉચ્ચ અધિકારી સાથે કરી બેઠક

અમદાવાદના ધંધુકા શહેરમાં માલધારી સમાજના યુવકની અજાણ્યા વ્યક્તિ દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી હતી જે બાદ પોલિસે કેટલાક આરોપીઓને ઝડપી પણ પાડ્યા હતા. ગત મંગળવારના રોજ ધંધુકામાં કિશન ભરવાડ નામના એક યુવકની ધોળા દિવસે જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી, જેના બાદ ધંધુકા વાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.ત્યારે હવે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ આ મામલાને ગંભીરતાથી લઇ રહ્યા છે અને પરિવારને ન્યાય અપાવવાની વાત જણાવી રહ્યા છે.આ ઉપરાંત હર્ષ સંઘવી મૃતક કિશન ભરવાડના પરિવારને મળવા માટે ધંધુકા પણ ગયા છે.

આજે મૃતકની પ્રાર્થના સભામાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા અને તેમણે કિશનના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. તે બાદ તેમણે કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને એક 20 દિવસની દીકરીને હાથમાં લઇ તેઓ ભાવુક પણ થઇ ગયા હતા અને તેમણે પરિવારની મહિલાઓ સાથે મુલાકાત કરી તેમને ખાતરી આપી કે તેઓ તેમને ઝડપથી ન્યાય અપાવશે.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દીકરીના પિતાના હત્યારાઓને સજા અપાવીશું. આ દીકરીને હું ગણતરીના મહિનામાં જ ન્યાય અપાવીશ. આ કેસમાં તમે ગમે ત્યારે અડધી રાત્રે પણ અમારો સંપર્ક કરી શકો છો. હિંમ્મત રાખજો હું ઝડપી ન્યાય અપાવીશ. હર્ષ સંઘવી મુલાકાત કરવા પહોંચતા જ મૃતક કિશનના પરિવારજનો રડી પડ્યા હતા અને કિશનની ફૂલ જેવી નાનકડી દીકરીને લઈને મહિલાઓ રડતી જોવા મળી હતી.

ગતરોજ ધંધુકામાં સજ્જડ બંધ પણ પાડવામાં આવ્યું હતું અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કિશન ભરવાડની અંતિમ યાત્રા યોજાઈ હતી. કિશન ભરવાડે એક મહિના આગાઉ સોશિયલ મીડિયામાં ચોક્કસ જ્ઞાતિના લોકો વિરુદ્ધ વિવાદિત ટિપ્પણી કરી હતી. આ મામલામાં પોલીસે કિશનની ધરપકડ પણ કરી હતી અને અન્ય સમાજના લોકો સાથે સમાધાન પણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ ઘટનાના થોડા જ દિવસો બાદ કિશનની હત્યા કરી દેવામાં આવતા લોકો રોષે ભરાયા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર કિશનની હત્યા પાછળ મુંબઈ અને અમદાવાદના 2 મૌલવીની સંડોવણી હોવાની વાત સામે આવી છે.પોલીસે આ મામલામાં અત્યાર સુધી 5 લોકોની ધપરકડ કરી લીધી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ પુછપરછમાં એ વાત પણ સામે આવી છે કે કિશનની હત્યા કરવા માટે હથિયાર અમદાવાદના એક મૌલવીએ આપ્યું હતું. ત્યારે હવે આ હત્યાકાંડના પડઘા આખા ગુજરાતમાં પણ પડ્યા છે.

Shah Jina