BREAKING : હેરી પૉર્ટર ફિલ્મના દિગ્ગજ અભિનેતાનું થયું નિધન, હોલીવુડમાં દોડી ગઈ શોકની લહેર

હેરી પોટર ફ્રેન્ચાઇઝીમાં હેગ્રીડની ભૂમિકા ભજવનાર હોલીવુડ અભિનેતા રોબી કોલટ્રેનનું અવસાન થયું છે. રોબી 72 વર્ષના હતા. તેમની એજન્સી WMEએ આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમની એજન્ટ બેલિન્ડા રાઈટે એક નિવેદનમાં જણાવ્યું કે રોબી કોલટ્રેને સ્કોટલેન્ડના ફાલ્કીર્ક નજીકની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. બેલિન્ડાએ રોબી કોલટ્રેનને એક અનોખી પ્રતિભા ગણાવી હતી. સાથે જ કહ્યું કે હેગ્રીડના રોલથી રોબીએ દુનિયાભરના બાળકો અને વડીલોને ખુશી આપી હતી.

રોબીએ પોતાના જબરદસ્ત અભિનયના દમ પર વિશ્વભરના દર્શકોના દિલમાં પોતાના માટે એક ખાસ જગ્યા બનાવી છે. તેમના મૃત્યુના સમાચાર સાથે વિશ્વભરના ચાહકો શોકમાં છે. ચાહકો માની શકતા નથી કે અભિનેતા હવે આ દુનિયામાં રહ્યા નથી. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર રોબીને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કરી દીધું છે. ‘હેરી પોટર’ ફિલ્મ દ્વારા રોબીને વિશેષ ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તે હેગ્રીડના રોલમાં જોવા મળ્યા હતા, હોગર્ટ સ્કૂલમાં ગેટકીપર હતો.

રોબી છેલ્લે ‘હેરી પોટર’ ફ્રેન્ચાઇઝીની 20મી વર્ષગાંઠ નિમિત્તે બનાવવામાં આવેલ શો ‘રિટર્ન ટુ હોગવર્ડ'(Harry Potter 20th Anniversary: Return to Hogwarts)માં જોવા મળ્યો હતો. આ શોના સીનમાં તે કહેતો જોવા મળ્યો હતો કે, ‘આગામી 40 વર્ષમાં તે આ દુનિયામાં નહીં હોય, પરંતુ તેનું પાત્ર હેગ્રીડ તો હશે.’ હવે આ યાદ કરીને ચાહકો ભાવુક થઈ રહ્યા છે. રોબીનો જન્મ 30 માર્ચ, 1950ના રોજ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં થયો હતો. તેના માતા-પિતા ડોક્ટર અને શિક્ષક હતા. અભિનેતાએ ગ્લાસલોમાં રહીને પોતાનો પ્રારંભિક અભ્યાસ પૂર્ણ કર્યો.

આ પછી તેણે એડિનબર્ગની મુરે હાઉસ કોલેજ ઓફ એજ્યુકેશનમાં એડમિશન લીધું. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેણે સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી. બાદમાં તે એક્ટિંગ માટે લંડન ગયો. તેણે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી શોથી કરી હતી. વર્ષ 2001માં આવેલી ફિલ્મ હેરી પોટર સોર્સરસ સ્ટોનથી લઈને 2011માં આવેલી હેરી પોટર ડેથલી હેલો પાર્ટ 2 સુધી, રોબી કોલટ્રેને હેગ્રીડની ભૂમિકા ભજવી હતી. હેગ્રીડ એ પાત્ર છે જે હેરીના 11મા જન્મદિવસે તેને પ્રિવેટ ડ્રાઇવ પર પ્રથમ વખત તેના ઘરે લઈ જવા માટે જાય છે.

રોબીએ જ પ્રખ્યાત ડાયલોગ ‘તુમ એક જાદુગર હો હેરી’ કહ્યું હતું. ખડતલ દેખાતી હેગ્રીડ વાસ્તવમાં ખૂબ જ કોમળ વ્યક્તિ હતી, જે હેરી પોટરને પોતાના બાળકની જેમ સ્નેહ કરતી હતી. રોબી કોલટ્રેને હેરી પોટર ફ્રેન્ચાઈઝીની ફિલ્મો ઉપરાંત જેમ્સ બોન્ડની બે ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. તે 1995ની ગોલ્ડન આઈ અને 1999ની ધ વર્લ્ડ ઈઝ નોટ ઈનફમાં જોવા મળ્યા હતા. તેણે પ્રખ્યાત ક્રાઈમ ડ્રામા શો ક્રેકરમાં પણ કામ કર્યું હતું. રોબી એક કોમેડિયન પણ હતો. તે 1983ની કોમેડી શ્રેણી આલ્ફ્રેસ્કો અને સ્કોટિશ ડ્રામા શો તુટ્ટી ફ્રુટીમાં પણ જોવા મળ્યો હતો.

Shah Jina