ફરી એકવાર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો કયાં સુધી પડશે ગાત્રો થીજવતી ઠંડી અને કયારે થશે માવઠુ

સમગ્ર રાજયમાં છેલ્લા બે મહિનામાં ત્રણ વખત માવઠું થવાને કારણે જગતનો તાત ખેડૂત પરેશાન થઇ ગયો છે. ગત ગુરુવારના રોજ ઘણા તાલુકાઓમાં માવઠા થયા હતા અને તેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો ત્યારે હવે ફરી એકવાર માવઠુ થવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ક્યાં સુધી રાજયમાં કાતિલ ઠંડી પડશે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યુ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે. ત્યારે અંબાલાલ પટેલે 13 જાન્યુઆરી સુધી કાતિલ ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ સાથે જ તેમણે દાવો કર્યો છે કે, 18 જાન્યુઆરી, 19 જાન્યુઆરી અને 20 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે. જેના કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે. એટલું જ નહીં, અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે, ફેબ્રુઆરીમાં પણ માવઠાની શક્યતા રહેલી છે. આ સાથે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરી છે.

અંબાલાલ પટેલ અનુસાર રાજયમાં 13 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના આગલા દિવસ સુધી જોરદાર ઠંડી પડશે અને આ સાથે ગાંધીનગર, ઉત્તર ગુજરાત અને કરછ તેમજ અમદાવાદમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેશે, આ ઉપરાંત કેટલાક જિલ્લામાં 8 ડિગ્રી સુધી પારો ગગડવાની પણ શક્યતા તેમણે વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલ બાદ હવે હવામાન વિભાગની આગાહીની વાત કરીએ તો સોમવાર અને મંગળવારના રોજ અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર અને પાટણમાં શીતલહેર જોવા મળશે. રવિવારની રાત્રિની વાત કરીએ તો, અમદાવાદ, ગાંધીનગર અને નલિયા ઉપરાંત અમરેલી, વડોદરા, જુનાગઢ, ડીસા, પાટણ, પોરબંદરમાં પણ લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.

Shah Jina