અંબાલાલ પટેલની આગાહી ! ઓક્ટોબરમાં કમોસમી વરસાદ બાદ નવેમ્બર મહિનામાં પણ…

ચોમાસાની વિદાય બાદ પણ રાજ્યમાં હાલમાં અનેક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, માવઠાને કારણે ખેડૂતો પણ હેરાન પરેશાન થઇ ગયા છે, અનેક વિસ્તારોના ખેડૂતોના પાકને ઘણું નુકસાન થયુ છે. ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ બે દિવસથી ભારે પવન અને ગાજવીજ સાથે ભારેથી હળવો વરસાદ વરસી રહ્યો છે.

આ વચ્ચે અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. અંબાલાલે જણાવ્યું કે, 22મી ઓક્ટોબરથી અંદમાન નિકોબાર પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાથી 100થી 120 કિમી પ્રતિ કલાક ગતિનું વાવાઝોડું થવાની શક્યતા છે જ્યારે દિવાળીના તહેવારથી ઠંડી પડવાની શરૂઆત થઈ શકે છે. તો બીજી બાજુ હવામાન વિભાગે આજથી વરસાદનું જોર ઓછું થવાની આગાહી કરી છે.

એવું કહેવામાં આવી રહ્યુ છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમ બની રહી છે અને આગામી 24 કલાક બાદ ગુજરાતમાં વાતાવરણ સુકુ થવાનું અનુમાન છે. બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઇ છે જે ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થવાનું અનુમાન છે. અંબાલાલનું કહેવુ છે કે નવેમ્બર મહિનામાં પણ માવઠું થઇ શકે છે.

અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે, ઓક્ટોબર બાદ નવેમ્બરમાં પણ ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. 7થી 13 નવેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થશે અને જો સિસ્ટમ વિશાખાપટ્ટનમ થઈને આવે તો ગુજરાતમાં અસર થઈ શકે છે. ગુજરાતમાં 13થી 15 નવેમ્બર માવઠું થવાની શક્યતા રહેશે.

Shah Jina