અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સર્જાયો વર્લ્ડ રેકોર્ડ, ચાહકોએ જોઈ દુનિયાની સૌથી મોટી ટી-શર્ટ, જુઓ વીડિયો

ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક અલગ જ રોમાંચ જોવા મળ્યો હતો. પહેલીવાર આઇપીએલમાં પ્રવેશેલી ગુજરાત ટાઇટન્સની ટીમ ફાઇનલ સુધી પહોંચી અને ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવીને આઇપીએલ 2022નો ખિતાબ પોતાના નામે કર્યો, આ ઉપરાંત મેચના સમાપન સમારોહમાં એઆર રહેમાન અને રણવીર સિંહે ધમાકેદાર પર્ફોમન્સ આપીને દર્શકોને ખુશ કરી દીધા.

કોરોનાના કારણે ગત વર્ષ અને 2020માં IPLનો સમાપન સમારોહ યોજાઈ શક્યો ન હતો. પરંતુ, આ વખતે કોરોનાની ઓછી અસરને કારણે, BCCIએ લીગના છેલ્લા તબક્કા માટે દર્શકો પરનો પ્રતિબંધ હટાવી લીધો. આ કારણોસર પ્લેઓફ મેચમાં મોટી સંખ્યામાં દર્શકો પહોંચ્યા હતા અને ફાઇનલમાં રેકોર્ડ તૂટી ગયો હતો. એક લાખથી વધુ દર્શકોની ક્ષમતા ધરાવતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સમાપન સમારોહ શરૂ થાય તે પહેલા જ ભરાઈ ગયું હતું.

રવિ શાસ્ત્રીએ IPL 2022ના સમાપન સમારોહની શરૂઆત પોતાની શૈલીમાં કરી હતી અને IPLનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું. ક્લોઝિંગ સેરેમનીમાં ક્રિકેટની સૌથી મોટી ટી-શર્ટ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ જર્સી 66 મીટર લાંબી અને 42 મીટર પહોળી હતી. આ જર્સી પર IPL 2022માં ભાગ લેનારી તમામ 10 ટીમોનો લોગો હતો. ગીનીસ બુક ઓફ રેકોર્ડ્સના અધિકારીઓએ BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહને ક્રિકેટની સૌથી મોટી ટી-શર્ટનું પ્રમાણપત્ર પણ આપ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by IPL (@iplt20)

આ પછી બંને ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને સંજુ સેમસન સ્ટેડિયમ પહોંચ્યા હતા. બંનેને દર્શકોએ તાળીઓના ગડગડાટથી આવકાર્યા હતા. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટાઈટલ મેચમાં રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાતે પોતાની પ્રથમ સિઝનમાં જ શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.

Niraj Patel