માત્ર 10 જ મિનિટમાં ફૂલ ચાર્જ થઇ જશે આ ઇલેક્ટ્રિક કાર, 1000 કિલોમીટર સુધીની મળશે રેંજ, જાણો સમગ્ર વિગત

પેટ્રોલ અને ડીઝલના વધી રહેલા ભાવને જોતા હવે લોકોને ત્રીજા વિકલ્પ તરફ જવું પડી રહ્યું છે. બજારની અંદર ઘણી ઇલેક્ટ્રિક કાર અને બાઈક આવી ચુકી છે. જેના માટેના બુકીંગ પણ શરૂ થઇ ગયા છે. પરંતુ હજુ ઘણા લોકોના મનમાં ઇલેક્ટ્રિક કારને લઈને પણ અવઢવ ચાલે છે. બજારમાં આવેલી ઘણી ઇલેક્ટ્રિક કાર ચાર્જિંગ થવામાં ઘણો વધુ સમય લે છે તો આ કારની રેન્જ પણ ઘણી ઓછી જોવા મળે છે.

ત્યારે હવે ચાઈનાની એક કંપની Guangzhou Automobile Corporation (GAC)એ હાલમાં જ પોતાની નવી ઇલેક્ટ્રિક કાર Aion V દુનિયા સમક્ષ રજૂ કરી છે. આ કાર વિશે કહેવામાં આવી રહ્યું છે કે કારની અંદર ગ્રેફીન બેટરી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે કારને ફક્ત 8 જ મિનિટમાં 80 ટકા જેટલી ચાર્જ કરી દે છે. એટલે કે હવે કારને ચાર્જ કરવામાં ફક્ત એટલો જ ટાઈમ લાગશે જેટલો પેટ્રોલ કે ડીઝલ ભરાવવામાં લાગે છે.

જીએસીનું કહેવું છે કે તેની પાસે 3સી અને 6સી વર્ઝન છે. જે બેટરીને ખુબ જ ઝડપથી ચાર્જ કરે છે. કંપનીનો દાવો છે કે 3સી ફાસ્ટ ચાર્જર કાર ફક્ત 16 મિનિટમાં જ 0-80 ટકા ચાર્જ થઇ જાય છે. જયારે 30-80 ટકા ચાર્જ થવામાં ફક્ત 10 મિનિટનો સમય લાગે છે.

તો 6સી ચાર્જરથી ફક્ત 8 મિનિટમાં જ 0-80 ટકા બેટરી ચાર્જ થઇ જાય છે. 30-80 ટકા ચાર્જ થવામાં ફક્ત 5 મિનિટનો સમય લાગે છે. જયારે ફૂલ બેટરી ચાર્જ થવા માટે 10 મિનિટનો સમય લાગે છે.

કંપની દ્વારા એ દાવાને પણ ખારીજ કરવામાં આવ્યો છે કે ઝડપથી બેટરી ચાર્જ થવા ઉપર બેટરી ખરાબ થઇ જાય છે. કંપનીનું કહેવું છે કે 1 લાખ કિલોમીટર સુધી ચાલ્યા બાદ પણ બેટરીને કોઈ નુકશાન નથી થતું.

કંપનીનો દાવો છે કે ગ્રેફીન બેટરી ટેક્નોલોજીના કારણે તેમની નવી Aion V SUV ની રેન્જ 1000 કિલોમીટર સુધી છે. જે અત્યાર સુધી આવી રહેલી બધી જ ઇલેક્ટ્રિક કારમાં સૌથી વધારે માનવામાં આવી. રહી છે Aion V SUVને સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

Niraj Patel