સુરતમાં ફક્ત 2 દિવસમાં જ 5 લોકોને ભરખી ગયો હાર્ટ એટેક, કોઈની સાસરીમાં મોત તો કોઈ મોર્નિંગ વૉકમાં જ ધબકાર ચુકી ગયું

હે ભગવાન આ તારી કેવી લીલા ! સુરતમાં જ 48 કલાકમાં હાર્ટ એટેકે લીધો 5 લોકોનો જીવ, લોકોમાં ફેલાઈ ગયો ફફડાટ

Five Died Of Heart Attack In Surat : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. ખાસ કરીને યુવાનો હાર્ટ એટેકનો વધુ ભોગ બનતા જોવા મળી રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેકના મામલાઓમાં સતત ઉછાળો પણ જોવા મળી રહ્યો છે. રોજ કોઈના કોઈ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની ખબર સામે આવતી હોય છે, ત્યારે હાલ સુરતમાં ફક્ત 2 જ દિવસમાં 5 લોકોના હાર્ટ એટેકથી મોત થવાની ખબરથી લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

ઊંઘમાં જ આવ્યો હાર્ટ એટેક :

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર પહેલા બનાવની અંદર સુરતમાં આવેલા પુણે વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતા 23 વર્ષીય જય ચમનભાઈ સાવલિયા ઓનલાઇન ડિઝાઇનિંગનો વ્યવસાય કરે છે. ગત રોજ રાત્રે જમ્યા બાદ જય સુઈ ગયો પરંતુ સવારે જયારે તેને તેના પરિવારજનો ઉઠાડવા માટે ગયા ત્યારે તે ઉઠ્યો જ નહિ. જેના બાદ તેને તાત્કાલિક એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરતા જ પરિવાર માથે આભ તૂટી પડ્યું હતું.

સાસરીમાં ઉપડ્યો દુખાવો :

બીજા બનાવની વાત કરીએ તો મૂળ સૌરાષ્ટ્રના અને સુરતના પુણેગામના હસ્તિનાપુર રોડ પર રહેતા 27 વર્ષીય દર્શન સીકવાલાના પરિવારમાં ત્રણ બાળકો અને પત્ની હતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગત રોજ તે ડિંડોલી વિસ્તારમાં આવેલા પોતાના સાસરે ગયો હતો. જ્યાં તેને અચાનક છાતીમાં દુખાવો શરૂ થયો, તેના સાળાએ તેને હોસ્પિટલ જવાનું કહ્યું, પરંતુ તેને ઘરેથી પૈસા લઈને જશે એમ જણાવ્યું, પરંતુ થોડી જ વારમાં તે ઢળી પડ્યો અને 108 દ્વારા તેને હોસ્પિટલ લઇ જતા ડોકટરે મૃત જાહેર કર્યો.

મોર્નિંગ વૉકમાં ઢળી પડ્યા :

તો ત્રીજા બનાવની અંદર ડિંડોલી વિસ્તારમાં રહેતા અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા 40 વર્ષીય યોગેશ ભવરાવ આહીર નવાગામ ખાતે આવેલા પાલિકાના ગાર્ડનમાં મોર્નિંગ વૉક કરવા માટે ગયા હતા. જ્યાં વૉક કરતા કરતા જ અચાનક તેઓ ઢળી પડ્યા. જેમને જોતા જ આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને પરિવારને જાણ કરવામાં આવી હતી. યોગેશનો ભાઈ તેને હોસ્પિટલ લઇ ગયો પરંતુ ત્યાં પણ તબીબે તેને મૃત જાહેર કર્યો.

વધુ બે લોકોના મોત :

ચોથા બનાવમાં લિંબાયત વિસ્તારમાં મીઠીખાડી પાસે ડુંભાલ ટેનામેન્ટમાં રહેતા અને કાપડના યુનિટમાં કામ કરતા રામક્રિષ્ના સોમૈયા બિટલાને અચાનક છાતીમાં દુખાવો શરૂ થઇ જતા તેમને પણ હોસ્પિટલ લઇ જતા તબીબે મૃત જાહેર કર્યા હતા. તો પાંચમા બનાવમાં પુણાગામમાં રહેતા અને સાડીમાં લેસપટ્ટી લગાવવાનું કામ કરતા 45 વર્ષીય જીગ્નેશભાઈ વ્રજલાલ પટેલ બપોરે ઘરે હતા ત્યારે જ તેમને છાતીમાં દુખાવો થતા બેભાન થઇ ગયા અને તેમને પણ હોસ્પિટલમાં લઇ જતા ડોકટરે મૃત જાહેર કર્યા.

Niraj Patel