ફરીવાર મુશ્કેલીમાં મુકાયો ભારતનો પૂર્વ ફાસ્ટ બોલર શ્રીસંત, ફિક્સિંગના આરોપો બાદ હવે લાગ્યો છેતરપિંડીનો આરોપ, 420ની થઈ FIR, જાણો સમગ્ર મામલો

ફિક્સિંગમાં સજા કાપ્યા બાદ હવે શ્રીસંતની ફરીથી વધી મુશ્કેલીઓ, ક્રિકેટ એકેડમીમાં રોકાણને લઈને લાખો રૂપિયાનું ફુલેકુ ફર્યું, જાણો

FIR against cricketer Sreesanth : હાલ દેશભરમાં ક્રિકેટને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી છે. પહેલા વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ભારતની ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ લોકો દુઃખી છે, તો ગઈકાલે ઓસ્ટ્રેલિયા સામે યોજાયેલી ટી-20 મેચમાં ભારતની જબરદસ્ત જીત બાદ ઘણા લોકો ઉત્સાહમાં પણ આવી ગયા છે. આ બધા વચ્ચે ક્રિકેટને લગતી જ એક વધુ ખબર સામે આવી રહી છે. ભારતીય ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શ્રીસંત પર છેતરપિંડીનો આરોપ નોંધાયો છે અને કેસ પણ દાખલ થયો છે.

શ્રીસંત પર લાગ્યો છેતરપિંડીનો આરોપ :

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી અને ક્રિકેટર એસ. શ્રીસંત ફરી એકવાર વિવાદોમાં ફસાયા છે. આ વખતે શ્રીસંત અને તેના બે સહયોગીઓ પર 18.70 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. કેરળના કન્નુરમાં આઈપીસીની કલમ 420 હેઠળ શ્રીસંત અને તેના બે સહયોગીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. કન્નુર જિલ્લાના ચુંડાના રહેવાસી, ફરિયાદી સરિશ ગોપાલને આરોપ લગાવ્યો કે આરોપી રાજીવ કુમાર અને વેંકટેશ કિનીએ તેમની પાસેથી 25 એપ્રિલ, 2019 થી અત્યાર સુધીમાં કુલ 18.70 લાખ રૂપિયા લીધા છે.

ક્રિકેટ એકેડમીમાં પૈસા રોકવાનો મામલો :

ફરિયાદીએ દાવો કર્યો કે તે કર્ણાટકના કોલ્લુરમાં સ્પોર્ટ્સ એકેડમી સ્થાપશે અને આ એકેડમીમાં શ્રીસંત પણ ભાગીદાર છે. સરીશે દાવો કર્યો હતો કે તેઓએ તેને એકેડમીમાં ભાગીદાર બનવાની ઓફર કરી હતી. આ લોભના કારણે તેણે પૈસા રોક્યા. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અગાઉ 2013માં શ્રીસંતની દિલ્હીમાં સ્પોટ ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. બીસીસીઆઈએ તેના પર આજીવન પ્રતિબંધ મૂક્યો હતો, જે બાદમાં ઘટાડીને સાત વર્ષનો કરવામાં આવ્યો હતો.

આવું છે શ્રીસંતનું કેરીયર :

એસ. શ્રીસંત 2007 T20 અને 2011 ODI વર્લ્ડ કપમાં વિજેતા ભારતીય ટીમનો ભાગ રહ્યો છે. 2007 T20 વર્લ્ડ કપ ફાઇનલમાં શ્રીસંતે મિસ્બાહ-ઉલ-હકનો શાનદાર કેચ લીધો હતો, જેને ભારતીય ચાહકો ક્યારેય ભૂલી શકતા નથી. શ્રીસંતે ભારત માટે 27 ટેસ્ટ, 53 ODI અને 10 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે કુલ 169 વિકેટ ઝડપી હતી.

.

Niraj Patel