ગુજરાતી સિનેમામાં ભવ્યતા અને ટેકનોલોજીનો નવો અનુભવ કરાવતી આગામી ફિલ્મ ‘અંબા’નું દમદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક વિજયગીરી બાવા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ગીરના ગાઢ જંગલ, માલધારી કન્યા અંબા અને સિંહ ‘વનરાજ’ વચ્ચેની અતૂટ મિત્રતાની કહાની રજૂ કરાઈ છે. નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ અને વિજયગીરી ફિલ્મોસના કો-પ્રોડક્શનમાં બનેલી આ ફિલ્મમાં રીવા રાચ્છ મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે દર્શન પંડ્યા અને નીલમ પંચાલ જેવા દિગ્ગજ કલાકારો પણ મહત્વના પાત્રો ભજવી રહ્યા છે. ટ્રેલરમાં શિકારીઓ સામે સાવજની રક્ષા કરવા જગદંબાના રૌદ્ર સ્વરૂપમાં ઉતરતી અંબાનાં દિલધડક દ્રશ્યો અને આંતરરાષ્ટ્રીય સ્તરના VFX ખાસ આકર્ષણ જમાવે છે. આદિત્ય ગઢવીના અવાજમાં ગવાયેલું ‘નેહ નેહ’ ગીત અને કેદાર-ભાર્ગવનું સંગીત ફિલ્મમાં સૌરાષ્ટ્રની લોકપરંપરાનો રંગ ઉમેરે છે. કુદરત, આસ્થા અને સાહસનો સંગમ ધરાવતી આ ફિલ્મ આગામી 11 ડિસેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
માલધારી કન્યા અને સાવજ ‘વનરાજ’ની અનોખી મિત્રતા
‘અંબા’ની વાર્તા શહેરી જીવનથી દૂર ગીરના ગાઢ જંગલમાં લઈ જાય છે, જ્યાં વન્યજીવો અને માલધારીઓ પ્રકૃતિ સાથે હળીમળીને રહે છે. ફિલ્મમાં અંબા નામની માલધારી કન્યા બાળપણથી જ સિંહના બચ્ચા ‘વનરાજ’નો ઉછેર કરે છે અને સમય જતાં બંને વચ્ચે ગાઢ વિશ્વાસ તથા લાગણીનો સંબંધ બંધાય છે. ટ્રેલરમાં હાથમાં ડાંગ લઈને ફરતી અંબાને જોઈ વન વિભાગના અધિકારી (દર્શન પંડ્યા) ગર્વથી કહે છે કે, “મેઘાણીની ચારણ કન્યા આજે મેં નજરે જોઈ!”, જ્યારે વિદેશી પ્રવાસી સામે તેનું રહસ્યમય સ્વરૂપ ‘માંગળાની ભૂતાવળ’ તરીકે રજૂ થતાં વાર્તામાં વધુ રોમાંચ ઉમેરાય છે.

શિકારીઓ સામે જગદંબાના રૌદ્ર સ્વરૂપમાં અંબાની એન્ટ્રી
ફિલ્મની વાર્તામાં ત્યારે મોટો વળાંક આવે છે જ્યારે ગીરના જંગલની શાંતિ ડહોળવા માટે શિકારીઓની એક ગેંગ સક્રિય થાય છે અને તેમનો ઘમંડી શિકારી વનરાજને પડકાર ફેંકે છે. સાવજને બચાવવા માટે વન વિભાગના અધિકારી પણ શિકારીઓ સામે મોરચો માંડે છે, અને આ જ સંઘર્ષ વચ્ચે અંબા જગદંબાના રૌદ્ર સ્વરૂપમાં મેદાને ઉતરે છે. પાણીમાંથી બહાર આવતી અંબા અને વનરાજનાં દિલધડક દ્રશ્યો તેમજ ઉચ્ચ કક્ષાના આંતરરાષ્ટ્રીય VFX જંગલના માહોલને પડદા પર વધુ ભવ્ય અને જીવંત બનાવે છે.

આદિત્ય ગઢવીનો અવાજ અને કેદાર-ભાર્ગવના સંગીતનો જાદુ
ફિલ્મની દમદાર વાર્તા અને વિઝ્યુઅલ્સની સાથે તેનું સંગીત પણ દર્શકો માટે મોટું આકર્ષણ બનવાનું છે. ગુજરાતી લોકસંગીતના જાણીતા ગાયક આદિત્ય ગઢવીએ ફિલ્મના ‘નેહ નેહ’ ગીતને પોતાનો આગવો અવાજ આપ્યો છે, જેમાં ગીરની ધરતી, માલધારીઓનું જીવન અને સૌરાષ્ટ્રની લોકપરંપરાની ઝલક અનુભવાય છે. કેદાર-ભાર્ગવ દ્વારા તૈયાર કરાયેલું સંગીત અને આદિત્ય ગઢવીનો લોકઢાળનો અંદાજ ફિલ્મના ભાવનાત્મક અને સાહસિક દ્રશ્યોને વધુ અસરકારક બનાવે છે.

દમદાર સ્ટારકાસ્ટ, ક્રિએટિવ ટીમ અને રિલીઝની તારીખ
સુપરહિટ ફિલ્મ ‘લાલો’ ઉપરાંત ‘રાજાધિરાજ’, ‘સરદાર’ અને ‘છોટા ભીમ’ જેવા ભવ્ય નાટકો આપનાર નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ અને વિજયગીરી ફિલ્મોસના કો-પ્રોડક્શનમાં આ ફિલ્મ નિર્માણ પામી છે. ફિલ્મમાં ‘લાલો’ ફેમ રીવા રાચ્છ મુખ્ય પાત્રમાં છે, જેમની સાથે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી નીલમ પંચાલ, દર્શન પંડ્યા, જગજીતસિંહ વાઢેર, અમેરિકન અભિનેત્રી એલેસાન્ડ્રા વ્હીલન, ગૌરાંગ આનંદ, આકાશ ઝાલા, સ્વાતિ દવે, ફિરોઝ ઈરાની અને રિદ્ધિ ડાંગર જેવા કલાકારો જોવા મળશે. વિજયગીરી બાવાના દિગ્દર્શન-લેખન, રામ મોરીના સંવાદો અને ભૂમિ નાથવાણી તથા ટ્વિંકલ વિજયગિરીના નિર્માણ હેઠળ બનેલી ‘અંબા’ 11 ડિસેમ્બર, 2026ના રોજ રૂપમ એન્ટરટેઈનમેન્ટ પ્રા. લિ. દ્વારા સિનેમાઘરોમાં રિલીઝ થશે.
View this post on Instagram