પ્રસિદ્ધ હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, હાલના દિવસોમાં પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) ઓછો હોવાના કારણે રાજ્યમાં ઠંડીનો અનુભવ ઓછો થઈ રહ્યો છે. જોકે, 2 અને 3 ડિસેમ્બર દરમિયાન ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં ભારે બરફવર્ષા થવાની શક્યતા છે, જેને પગલે પવનોની દિશા બદલાશે અને ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ સત્તાવાર રીતે શરૂ થઈ જશે.

17થી 19 ડિસેમ્બર દરમિયાન હાડ થજાવતી ઠંડીની શક્યતા
અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ, ડિસેમ્બર મહિનાના મધ્યમાં હવામાનમાં મોટો પલટો આવશે. પશ્ચિમ બંગાળમાં એક દરિયાઈ સિસ્ટમ સક્રિય થશે, જે દરિયામાં આગળ વધીને તટિય વિસ્તારો તરફ આવશે. આ આબોહવાકીય ફેરફારોના કારણે 17થી 19 ડિસેમ્બર દરમિયાન રાજ્યભરમાં હાડ થજાવતી અતિશય ઠંડી પડવાની પૂરતી શક્યતા છે.

ઉત્તરીય પર્વતોમાં ભારે હિમવર્ષા અને નવા વર્ષે કડકડાટી ઠંડી
ડિસેમ્બરના અંતમાં અને નવા વર્ષના પ્રારંભે ઠંડીનો પ્રકોપ વધુ તીવ્ર બનશે. 22 ડિસેમ્બર પછી ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં ભારેથી અતિભારે હિમવર્ષા થવાનો અંદાજ છે. આ હિમવર્ષાના પરિણામે નવા વર્ષની શરૂઆતમાં સમગ્ર ગુજરાતમાં હાડ કંપાવતી કડકડાતી ઠંડીનો દોર જોવા મળી શકે છે.

રવી પાકો પર અસર અને વાતાવરણની સ્થિતિ
હવામાનની આ સ્થિતિ ખેતી પર પણ સીધી અસર કરશે. અંબાલાલ પટેલે સ્પષ્ટ કર્યું છે કે હાલની ગરમીના કારણે જીરા જેવા પાકોમાં રોગચાળો આવવાની અને અન્ય પાકોમાં ઈયળોનો ઉપદ્રવ વધવાની શંકા છે. ફેબ્રુઆરી મહિનાથી ‘એલ નિનો’ની અસર ઘટી જશે, જેના કારણે એરંડાનો પાક સારો રહેવાની સાનુકૂળ શક્યતાઓ સર્જાઈ રહી છે.

રાજ્યના 9 જિલ્લાઓમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું
હાલ ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનોની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. 12 નવેમ્બરની રાત્રિના આંકડા મુજબ રાજ્યના 9 જિલ્લાઓમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું. જેમાં વડોદરા શહેર 16.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સમગ્ર રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું હતું.રાજ્યના મુખ્ય શહેરોમાં વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડકનું પ્રમાણ વધ્યું છે. નલિયામાં લઘુતમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં ઠંડીનો ચમકારો વધતાં પારો 18.3 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડ્યો હતો. આ ઉપરાંત રાજકોટ અને અમરેલીમાં પણ 18.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે લોકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો.