આલિયા ભટ્ટની પ્રેગ્નેંસીને લઇને ફરાહ ખાને કર્યો મોટો ખુલાસો

અભિનેત્રી આલિયા ભટ્ટની પ્રેગ્નન્સીના સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા છે. કેટલાક લોકો એવા છે, જેઓ માનવા તૈયાર નથી કે આલિયા ખરેખમાં પ્રેગ્નેટ છે. કેટલાક નેટિજન્સ એવું માની રહ્યા છે કે આલિયા અને રણબીરનો આ પબ્લિસીટી સ્ટંટ છે. આલિયા ભટ્ટે ગઇકાલે એટલે કે 27 જૂનના રોજ તેના પ્રેગ્નેંસીના સમાચાર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. બે તસવીર શેર કરતા અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યુ હતુ કે, “અમારું બાળક… જલ્દી આવી રહ્યું છે.” આલિયાની આ પોસ્ટ પછી બધા આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા.

કપૂર પરિવાર તરફથી આ સારા સમાચાર આવ્યા બાદ અભિનંદનનો ધસારો પણ જોવા મળી રહ્યો છે. ચાહકોની સાથે સાથે સેલેબ્સ પણ આલિયાને અભિનંદન આપી રહ્યા છે, જેમાં કરણ જોહર, મૌની રોય, મલાઈકા અરોરા અને અન્ય ઘણા સામેલ છે. ત્યારે આ બધા વચ્ચે હવે ફિલ્મ નિર્માતા અને કોરિયોગ્રાફર ફરાહ ખાને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ફરાહ ખાને કહ્યું છે કે તે આલિયાની પ્રેગ્નન્સી વિશે પહેલાથી જ જાણતી હતી. જણાવી દઇએ કે, આલિયા અને રણબીર કપૂરે 14 એપ્રિલ 2022 ના રોજ ફેરા લીધા હતા અને લગ્નના ત્રીજા જ મહિને કપલે સોશિયલ મીડિયા પર પ્રેગ્નેંસીના સારા સમાચાર શેર કર્યા છે.

આ જાહેરાત બાદ ભટ્ટ અને કપૂર પરિવારમાં ખુશીનો માહોલ છે. નાના મહેશ ભટ્ટ અને નાની સોની રાઝદાને તેમની લાડલી આલિયા પર ઘણો પ્રેમ અને આશીર્વાદ વરસાવ્યા છે. બીજી તરફ આલિયા ભટ્ટની સાસુ એટલે કે રણબીર કપૂરની માતા નીતુ કપૂરની પણ ખુશીનો કોઈ પાર નથી.આલિયાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ખુશખબરી શેર કરતાની સાથે ફેન્સની સાથે સેલિબ્રિટીઝ તરફથી પણ અભિનંદનનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. અનુષ્કા શર્માએ પણ આલિયાને ‘મોમી ક્લબ’માં આવકારતા તેને અભિનંદન પાઠવ્યા છે.

જ્યારે ફરાહ ખાનને આલિયા ભટ્ટની પ્રેગ્નન્સી વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, ‘હા, મને પહેલાથી જ ખબર હતી.’ ફરાહ ખાને પેપરાજીને આ વાત ત્યારે કહી જ્યારે તે તાજેતરમાં એક ટીવી રિયાલિટી શોના સેટ પર જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નના સમાચાર સૌથી પહેલા ફરાહ ખાને લીક કર્યા હતા. જ્યારે આલિયા અને રણબીર તેમના લગ્નના સમાચારો પર કમેન્ટ કરવાનું ટાળતા હોય તેવું લાગતું હતું, ત્યારે ફરાહ, જે તે સમયે બોસ્ટનમાં હતી, તેણે આલિયા-રણબીરને વિડિયો કોલ દ્વારા તેમના લગ્નની શુભેચ્છા પાઠવી હતી.

રણબીરના આગામી પ્રોજેક્ટ્સની વાત કરીએ તો, તે લવ રંજનની અનટાઈટલ્ડ રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં જોવા મળવાનો છે. જેમાં શ્રદ્ધા કપૂર પણ સામેલ છે. આ ઉપરાંત અભિનેતા અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ વન’નો પણ ભાગ છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, નાગાર્જુન અને મૌની રોય પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં પહેલીવાર રણબીર અને આલિયા સ્ક્રીન શેર કરવા જઇ રહ્યા છે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આલિયાના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો, અભિનેત્રી ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં રણવીર સિંહ સાથે જોવા મળશે. આલિયા હાલમાં લંડનમાં તેના પ્રથમ ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ ‘હાર્ટ ઓફ સ્ટોન’ માટે શૂટિંગ કરી રહી છે.

Shah Jina