કોઈ આટલું લાપરવાહ કેવી રીતે હોઈ શકે ? કાળઝાળ ગરમીમાં અબોલા શ્વાનને ગાડીમાં છોડીને તાજમહેલ જોવા ગયો પરિવાર, ગરમીથી થયું શ્વાનનું મોત, લોકો ભડક્યા

“આ લોકોને તો જેલમાં નાખો !” શ્વાનને કારમાં છોડીને તાજમહેલ જોવા ગયેલા પરિવાર પર ભડક્યા લોકો, કાળઝાળ ગરમીના કારણે તરફડીયા મારી મારીને શ્વાનનું થયું મોત, જુઓ વીડિયો

Dog dies in car due to heat : લોકડાઉનના સમયમાં ઘણા લોકો પોતાનો સમય પસાર કરવા અને ઘરમાં કાંટાળાને દૂર કરવા માટે કોઈ પેટ્સ ખરીદીને લાવ્યા હતા. એ સમયે તેમને તેમના પાલતુને ભરપૂર સમય આપ્યો, પરંતુ લોકડાઉન ખુલતા જ લોકો પોતાના કામ ધંધે પાછા ફરવા લાગ્યા અને ઘરમાં રહેલા પાલતુઓ એકલા પડી ગયા. ઘણા લોકોએ તો તેમને રસ્તા પર પણ છોડી દીધા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા, કારણ કે હવે તેમના માથે તે ભાર લાગતો હતો.

પરંતુ હાલ એક એવી ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને તમારું પણ લોહી ઉકળી ઉઠશે. આ ઘટનામાં યુપીના આગ્રામાં તાજમહેલના પાર્કિંગમાં પાર્ક કરેલી કારમાંથી વિદેશી જાતિના શ્વાનનો મૃતદેહ મળી આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કારનો માલિક શ્વાનને કારમાં બંધ કરીને પરિવાર સાથે તાજમહેલ જોવા ગયો હતો. કાળઝાળ ગરમીના કારણે આ અબોલ જીવ મોતને ભેટ્યો.

આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને લોકો ઉશ્કેરાયા છે. સોશિયલ મીડિયા યુઝર્સ કાર માલિક પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને તેની સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ઘટના તાજમહેલના પશ્ચિમી દરવાજા પાર્કિંગની છે. હરિયાણાનો એક પરિવાર કાર દ્વારા તાજ મહેલ જોવા માટે આવ્યો હતો. કારમાં તેનો પાલતુ શ્વાન પણ હતો. પરંતુ તેઓ તેને કારમાં છોડીને તાજમહેલ જોવા ગયા હતા. પરિવાર હરવા-ફરવામાં વ્યસ્ત હતો ત્યારે લોક કારમાં શ્વાન મૃત્યુ પામ્યું હતું.

કાર પાર્કિંગની અંદર આકરા તડકામાં પાર્ક કરેલી હતી. આ કાળઝાળ ગરમીમાં બંધ કારની અંદર શ્વાન તરફડીયા મારવા લાગ્યો. દરમિયાન, તેના ગળામાં બાંધેલી સાંકળ હેન્ડબ્રેકમાં ફસાઈ ગઈ અને થોડીવાર પછી શ્વાનના શ્વાસ બંધ થઈ ગયા. પાર્કિંગમાં હાજર લોકોએ કારની નજીક જઈને બારીમાંથી જોયું તો શ્વાન મૃત હાલતમાં પડેલો હતો. કેટલાક લોકોએ તેનો વીડિયો બનાવીને ટ્વિટર પર વાયરલ કર્યો હતો. માહિતી મળતા જ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

વીડિયો સામે આવ્યા બાદ આગ્રા પોલીસ કમિશનરેટે કાર્યવાહીનો નિર્દેશ આપ્યો હતો. આગ્રા પોલીસે ટ્વિટર પર લખ્યું – સંબંધિતોને જરૂરી કાર્યવાહી માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. તપાસ કરવામાં આવી રહી છે. હાલ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શ્વાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ સાથે તે હરિયાણાના પ્રવાસી પરિવાર સાથે પૂછપરછ કરી રહી છે. ત્યારે વીડિયો વાયરલ થતા લોકો પણ રોષે ભરાયા હતા.

Niraj Patel