ટ્રેડમિલ પર દોડી મોત…જીમમાં એક્સરસાઇઝ કરતા કરતા 24 વર્ષના એન્જિનિયરે ગુમાવ્યો જીવ- બુજાઇ ગયો ઘરનો એકનો એક ચિરાગ

દિલ્લીના જીમમાં 24 વર્ષના એન્જિનિયરનું મોત, ટ્રેડમિલ પર લાગ્યો કરંટ, જીમ માલિકની ધરપકડ

BTech grad electrocuted on treadmill at Delhi gym : ગુજરાત સહિત દેશમાંથી અવાર નવાર અકસ્માતે મોતની ખબર સામે આવતી રહે છે, ત્યારે હાલમાં રાજધાની દિલ્લીમાંથી જીમમાં વર્કઆઉટ કરતી વખતે એક યુવકને ટ્રેડમિલમાં કરંટ આવ્યો, અને તેને કારણે તેનું મોત નીપજ્યું હોવાની ખબર સામે આવી રહી છે, આ ઘટના બાદ ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. આ મામલે જીમ સંચાલક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ ઘટના દિલ્હીની રોહિણીની છે.

ટ્રેડમિલ પર દોડી રહ્યો હતો યુવાન
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, સક્ષમ પ્રુથિ નામનો વ્યક્તિ દિલ્હીના રોહિણી સ્થિત એક જીમમાં સવારે 7:30 વાગ્યે વર્કઆઉટ કરી રહ્યો હતો. તે સેક્ટર 15ના જીમપ્લેક્સ ફિટનેસ ઝોનમાં હતો. તે ટ્રેડમિલ પર દોડી રહ્યો હતો અને આ દરમિયાન જ તેને ઇલેક્ટ્રિક શોક લાગ્યો. કહેવામાં આવી રહ્યું છે કે સક્ષમ દોડતી વખતે ટ્રેડમિલ પર બેસી ગયો અને તેને વીજ કરંટ લાગ્યો.

તસવીર સૌજન્ય : દૈનિક ભાસ્કર

વીજ કરંટથી થયુ મોત
પ્રાથમિક તપાસ મુજબ ટ્રેડમિલમાં કરંટ હતો. સક્ષમ તેના સંપર્કમાં આવતાની સાથે જ મૃત્યુ પામ્યો. મીડિયા અહેવાલ અનુસાર, કેશવ નામનો યુવક કે જે નજીકમાં કસરત કરી રહ્યો હતો, તેણે સક્ષમને પડતો જોયો અને તેનો હાથ પકડ્યો, કેશવને પણ વીજ કરંટ લાગ્યો. ટ્રેડમિલનો પાવર બંધ કરીને તેણે અને જીમમાં અન્ય લોકોએ સક્ષમના હાથ-પગ ઘસ્યા. CPR પણ આપવામાં આવ્યું પણ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને ત્યાં તેને મૃત જાહેર કરાયો.

તસવીર સૌજન્ય : દૈનિક ભાસ્કર

જીમ માલિકની ધરપકડ
પોલીસે જીમના માલિક અનુભવ દુગ્ગલની ધરપકડ કરી છે. પોલીસે બેદરકારીના કારણે મોતનો મામલો નોંધીને તપાસ શરૂ કરી છે. સક્ષમે તેની B.Tech ડિગ્રી પૂર્ણ કરી હતી અને તે ગુરુગ્રામની એક કંપનીમાં કામ કરતો હતો. તેના ઘરમાં માતા-પિતા ઉપરાંત એક નાની બહેન પણ છે. તે તેના પિતાનો એકમાત્ર પુત્ર હતો. પોલીસે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપી દીધો છે. પોલીસનું કહેવું છે કે ટ્રેડમિલમાં વીજ કરંટ લાગવાથી સક્ષમનું મોત થયું છે. જીમ ઓપરેટર અનુભવ દુગ્ગલની બેદરકારીના કારણે મૃત્યુની કલમો હેઠળ કેસ નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે.

Shah Jina