ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમની મુશ્કેલીઓમાં થયો વધારો, આ ઘાતક ફાસ્ટ બોલર હવે નહીં જોવા મળે IPL 2022ની સીઝનમાં, જાણો કારણ

IPL 2022માં રોમાંચ હવે દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે, દરેક ટીમ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવવામાં લાગી ચુકી છે, પોતાની પહેલી ચાર મેચ હારી ચુકેલી ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમે પણ ગઈ કાલે RCBને હરાવી પોતાની જીતનો શંખનાદ ફૂંકી દીધો છે, ત્યારે હાલ ખબર આવી છે કે ચેન્નાઇ સુપરકિંગ્સની ટીમને એક મોટો ફટકો લાગ્યો છે.

પીઠની ઈજાને કારણે ફાસ્ટ બોલર દીપક ચહરની ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં રમવાની શક્યતા લગભગ સમાપ્ત થઈ ગઈ છે, જે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મુશ્કેલીમાં વધારો કરી શકે છે. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે ચહર મોટાભાગની IPL રમતમાંથી બહાર રહેશે, પરંતુ તેની ઝડપી પુનઃપ્રાપ્તિને કારણે, સુપર કિંગ્સને આશા હતી કે તે એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં પુનરાગમન કરી શકશે.

બોલિંગ ઓલરાઉન્ડરને ફેબ્રુઆરીમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી T20 દરમિયાન પગમાં ઈજા થઈ હતી અને તેણે પોતાનો સ્પેલ પૂરો કર્યા વિના મેદાન છોડવું પડ્યું હતું. આ પછી ચહર શ્રીલંકા સામેની શ્રેણીમાં રમી શક્યો ન હતો. ચહરે ગયા વર્ષે ટીમને ખિતાબ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

સુપર કિંગ્સના મુખ્ય ઝડપી બોલર ચહરને ઈજાનો ભોગ બનવું પડ્યું છે. પહેલા તેને પગમાં ઇજા હતી જેના બાદ હવે તેને પીઠમાં ઇજા થઇ છે અને આ કારણે જ હવે તે 2022ની IPL સીઝન રમી નહિ શકે. ચેન્નાઈની ટીમ પહેલાથી જ ચહરની ખોટ સતાવી રહી હતી. તેની ગેરહાજરીમાં CSKને સતત ચાર હારનો સામનો કરવો પડ્યો છે. તેના આગમન બાદ CSK વધુ સારું પ્રદર્શન કરશે તેવી અપેક્ષા હતી, પરંતુ તેની બીજી ઈજા બાદ ટીમની પ્લેઓફમાં પહોંચવાની આશા પણ ઓછી દેખાઈ રહી છે.

ભારત આ વર્ષે ઓક્ટોબર મહિનામાં T20 વર્લ્ડ કપ રમવાનું છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે ચહર સંપૂર્ણ ફિટ થયા બાદ જ મેચ રમવાનું શરૂ કરવા ઈચ્છશે. આ કારણોસર તેના પરત આવવામાં સમય લાગી શકે છે. અગાઉ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ચહર 25 એપ્રિલ સુધી ચેન્નાઈ માટે ઉપલબ્ધ હોઈ શકે છે, પરંતુ પીઠની ઈજાને કારણે આ સમય લંબાવવામાં આવ્યો છે અને શક્ય છે કે ચહર આખી સિઝન માટે ટીમની બહાર હોય. ચેન્નાઈની વાપસીની આશાને મોટો ઝટકો લાગ્યો છે.

Niraj Patel