રાજકોટમાં સીટી બસ ચાલકોની દાદાગીરી, વૃદ્ધ રીક્ષા ચાલાકને માર્યો ઢોર માર, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં ધરખમ વધારો થતો જોવા મળી રહ્યો છે, તેમાં પણ રાજકોટ મોખરે આવી ગયું છે, રાજકોટમાંથી અવાર નવાર હેરાન કરી દેનારી ઘટનાઓ બનતી હોય છે, ત્યારે હાલ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વૃદ્ધને કેટલાક લોકો માર મારતા જોવા મળી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના કાલાવાડ રોડ ઉપર એક વૃદ્ધ રીક્ષા ચાલાકની રીક્ષા સિટીબસ સાથે ઘસાઈ હતી, જેના બાદ સીટી બસના કર્મચારીઓ એકત્ર થઇ ગયા હતા અને વૃદ્ધ રીક્ષા ચાલકને માર મારવા લાગે ગયા હતા. આ ઘટનાનો વીડિયો ત્યાં હાજર કોઈ વ્યક્તિ દ્વારા મોબાઈલમાં કેદ કરી લેવામાં આવ્યો હતો, જેના બાદ તે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયા બાદ રાજકોટ મનપાના કમિશનર અમિત અરોરાએ ડેપ્યુટી કમિશનરને તપાસ સોંપી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે સિટીબસના કર્મચારીઓ વારંવાર કાયદો હાથમાં લઇ બબાલ કરતા હોય છે અને વિવાદમાં સપડાતા હોય છે. ત્યારે આ ગંભીર મામલે મનપા તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે એ જોવું રહ્યું.

વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે, રાજકોટના કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર સામે સિટીબસ સ્ટોપ ખાતે સિટીબસના કર્મચારી એક વૃદ્ધને રોડ પર બેસાડી માર મારી રહ્યા છે. બસ સાથે રિક્ષા ઘસાવા જેવી સામન્ય બાબતમાં સિટીબસના કર્મચારીઓ એકત્ર થઈ રસ્તા પર વૃદ્ધ રિક્ષા-ચાલકને માર મારે એ કેટલું યોગ્ય ગણાય એવો સવાલ લોકોમાં ઊઠ્યો છે.

વૃદ્ધ સિટીબસના કર્મચારીઓ પાસે આજીજી કરતા રહ્યા, પણ એકપણ કર્મચારીને દયા આવી નહીં અને વૃદ્ધને ફડાકા મારતા રહ્યા હતા. બસ સાથે રિક્ષા ઘસાઈ એમાં સિટીબસના કર્મચારીઓ એકત્ર થઇ વૃદ્ધ સામે દાદાગીરી દેખાડી એે કેટલું યોગ્ય ગણાય. આવા કર્મચારીઓને કડકમાં કડક સજા થવી જોઈએ એવી માગ લોકોમાં ઊઠી છે.

Niraj Patel