આ લોકપ્રિય ગુજરાતી ક્રિકેટરની લોકસભા ચૂંટણીના મેદાન પર એન્ટ્રી, જાણો કઇ બેઠક પરથી લડશે

યૂસુફ પઠાણને મળી લોકસભા ચૂંટણીની ટિકિટ, , જાણો કઇ પાર્ટીએ કરી પસંદગી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે હવે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. લોકસભા ચૂંટણી માટે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીએ પશ્ચિમ બંગાળની તમામ 42 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. યુસુફ પઠાણને પણ પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી છે. તે બહેરામપુર બેઠક પરથી ચૂંટણી લડશે. યુસુફ પઠાણનો મુકાબલો કોંગ્રેસ પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરી સાથે થશે. અધીર રંજન ચૌધરી બહેરામપુરના વર્તમાન સાંસદ છે.

યુસુફ પઠાણને ટિકિટ મળવી લોકો માટે થોડુ આશ્ચર્યજનક છે, કારણ કે આ પહેલા કોઈએ વિચાર્યું ન હતું કે ક્રિકેટ સિવાય પઠાણ રાજકારણમાં પણ એન્ટ્રી કરશે. પઠાણની ક્રિકેટ કારકિર્દી શાનદાર રહી છે. હવે જોવાનું એ રહ્યું કે તે લોકસભા ચૂંટણી જીતે છે કે નહીં. ગુજરાતના વડોદરાના યુસુફ પઠાણે પોતાનું ડેબ્યૂ ટી20 મેચથી કર્યું હતું, જે શાનદાર રહ્યુ હતું. વર્ષ 2007ના T20 વર્લ્ડ કપની ફાઈનલ પહેલા પૂર્વ ભારતીય બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ ઈજાગ્રસ્ત થયો હતો. તેના સ્થાને એમએસ ધોનીએ યુસુફ પઠાણને તક આપી હતી.

ધોનીએ યુસુફ પઠાણને ઓપનિંગમાં ઉતાર્યો હતો જો કે યુસુફ પોતાના ડેબ્યૂમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો. 8 બોલમાં તે માત્ર 15 રન જ બનાવી શક્યો હતો. યુસુફ પઠાણ વર્ષ 2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતો. 2011 વર્લ્ડ કપ જીત્યા બાદ તેણે મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરને પોતાના ખભા પર ઉઠાવ્યા હતા. યુસુફ પઠાણે પોતાના વનડે કરિયરમાં 41 વનડે પારીમાં કુલ 810 રન બનાવ્યા, આ 41 ઇનિંગ્સમાં તેના નામે 2 સદી અને 3 અડધી સદી છે.

યુસુફ પઠાણે ભારત માટે 18 T20 ઇનિંગ્સમાં કુલ 236 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 146.58 હતો. બોલિંગ દરમિયાન યુસુફે ODI મેચમાં 33 અને T20 મેચમાં 13 વિકેટ પણ લીધી હતી. યુસુફ પઠાણને ભારતીય ક્રિકેટના સૌથી મોટા હિટરોમાંથી એક ગણવામાં આવે છે. તે આઈપીએલમાં પણ રમી ચૂક્યો છે. પ્રથમ સિઝનમાં તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે 37 બોલમાં સદી ફટકારી હતી.

Shah Jina