The Kashmir Files ફિલ્મને લઈને ન્યૂઝીલેન્ડમાં કેમ થઈ રહ્યો છે વિવાદ? જાણો સમગ્ર વિગત

The Kashmir Files ફિલ્મ ભારતમાં એક પછી એક સફળતાના ઝંડા ગાળી રહી છે. લોકોનો ખુબ પ્રેમ મળી રહ્યો છે. તો બીજી તરફ તેનો વિરોધ પણ થઈ રહ્યો છે. ભારતમાં કેટલાક લોકો કહી રહ્યા છે કે ફિલ્મમાં પુરી વાસ્તવિકતા બતાવવામાં આવી નથી. જો કે આ વિરોધનો વંટોળ હવે ભારતથી દૂર વિદેશમાં પણ પહોંચી ગયો છે.

આ ફિલ્મને લઈને હવે ન્યૂઝીલેન્ડમાં વિરોધ શરૂ થયો છે. ન્યૂઝીલેન્ડના સેંસર પ્રમુખ ફિલ્મના પ્રમાણપત્રની સમીક્ષા કરી રહ્યા છે, જેની પૂર્વ ઉપ પ્રધાનમંત્રીએ આલોચના કરી છે. વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મમાં 1990ના દાયકામાં કાશ્મીરમાં થયેલા કાશ્મીરી પંડિતોના પલાયનની વાર્તા છે.

ન્યૂઝીલેન્ડના એક મીડિયા હાઉસે શનિવારે સમાચાર આપ્યા કે 24 માર્ચના રોજ રિલીઝ થનારી આ ફિલ્મને લઈને મુસ્લીમ સમુદાયે નારાજગી વ્યક્ત કરી છે. જે પછી દેશના સેંસર પ્રમુખ ડેવિડ શેંક્સ ફિલ્મના આર16 સર્ટિફિકેટની સમીક્ષા કરી રહ્યા છે. આ અંગે ન્યૂઝીલેન્ડના વર્ગીકરણ કાર્યાલય અનુસાર આર16 પ્રમાણપત્ર અનુસાર આ જરૂરી હોય છે કે કોઈ 16 વર્ષથી નાની ઉંમરો છોકરો વડિલોના સાથ વગર ફિલ્મ નથી જોઈ શકતો.

શેંક્સે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, પ્રમાણન કાર્યાલયના આ પગલાનો મતલબ એવો નથી કે આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, મુસ્લીમ સમાજના અગ્રણીઓ મને મળ્યા હતા અને આશંકા વ્યક્ત કરી હતી કે આ ફિલ્મને કારણે મુસ્લીમ સમાજ પ્રત્યે ધૃણા અને રોષ વધી શકે છે.

તેમણે કહ્યું કે સ્થિતિ ઘણી ગંભીર છે કેમ કે મુસ્લીમ સમુદાયની ચિંતા ફિલ્મના વિષય વસ્તુ કરતા તેના પછી જે રિએક્શન આવશે તેના પર છે. શેંક્સે કહ્યું કે તેમની ચિંતા વ્યાજબી છે. જેથી સમીક્ષા કરવાની જરૂર છે. શેંક્સે કહ્યું કહ્યું કે ચિંતાની ઓળખ કર્યા વિના ફિલ્મને પ્રારંભિક પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.

સેંસર પ્રમુખના આ પગલાની દેશના પૂર્વ ઉપ પ્રધાનમંત્રી અને રાજકીય પાર્ટી ન્યૂઝીલેન્ડ ફર્સ્ટના નેતા વિંસ્ટન પીટર્સે ટીકા કરી છે. તેમણે ફેસબુક પર લખ્યું, ન્યૂઝીલેન્ડના રહીસોની સ્વતંત્રતા પર વધુ એક હુમલો. આ ફિલ્મને સેંસર કરવી ન્યૂઝીલેન્ડમાં થયેલા અત્યાચારોની જાણકારી અને તસવીરો કે 9/11 હુમલાની તસવીરો કે જાણકારીને સેંસર કરવા સમાન છે.

પિટર્સનો ઈશારો 15 માર્ચ 2019માં ન્યૂઝીલેન્ડના ક્રાઈટચર્ચમાં એક મસ્જીદમાં થયેલા હુમલા અંગે હતો, જેમા એક બંદુકધારીએ કરેલા હુમલાના કારણે 51 લોકોના મોત થયા હતા અને 40 લોકો ઘાયલ થયા હતા.

આ ફિલ્મ અંગે વિવાદ વધતા નિર્દેશક વિવેકે કહ્યું કે આ ફિલ્મમાં વિવાદાસ્પદ કઈ નથી. શું આતંકવાદ પર વિવાદ હોઈ શકે? હકિકતમાં કાશ્મીર એક વ્યવસાય છે અને આ ફિલ્મથી ઘણા લોકોની દુકાનો બંધ થઈ જશે. તેથી વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે.

YC