ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રીને પગલે CM ભૂપેન્દ્ર પટેલ સતર્ક ! લેવાયો મોટો અને મહત્વનો નિર્ણય

હાલમાં જ સમગ્ર ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રીને પગલે માહોલ ઘણો ગરમ થઇ ગયો છે. જયાં જુઓ ત્યાં સમાચારમાં ઓમિક્રોનનું નામ જ સાંભળવા મળી રહ્યુ છે. ગુજરાતના જામનગરમાં ઓમિક્રોનનો એક કેસ નોંધાયો છે, જેને પગલે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ઓમિક્રોન વેરિયન્ટને લઈ બેઠક યોજાઇ હતી જે હવે પૂર્ણ થઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આરોગ્ય વિભાગને સૂચનો આપ્યા છે. રાજ્યમાં વિદેશથી આવેલા પ્રવાસીઓનું સઘન ટેસ્ટિંગ કરવા CMએ સૂચના આપી છે.

સૌપ્રપથમ ભારતના કર્ણાટકમાં 2 કેસ મળી આવ્યા હતા અને તે બાદ ગુજરાતના જામનગરમાં એક કેસ નોંધાયો છે. જામનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ મળી આવવાને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આરોગ્ય તંત્રની આ નવા વેરિયન્ટ સામેની સજ્જતાની ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા. મુખ્યમંત્રીએ ભારત સરકાર દ્વારા ઓમીક્રોન વેરિએન્ટ સંદર્ભે બહાર પાડવામાં આવેલી નવી ગાઇડલાઇન્સનો રાજ્યમાં ચુસ્તપણે અમલ કરવાની સૂચનાઓ આ બેઠકમાં આપી હતી.

આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ સહિતના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. 28 નવેમ્બરે ગુજરાત આવેલા જામનગરના 72 વર્ષીય વૃદ્ધનો 2 ડિસેમ્બરના રોજ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને તે બાદ તંત્ર પણ દોડતુ થઇ ગયુ હતુ. જામનગર શહેરમાં ઓમિક્રોનની એન્ટ્રીને પગલે ફફડાટ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાતાં મુખ્ય સચિવે જામનગરના કલેક્ટર અને આરોગ્ય અધિકારીઓ સાથે રિવ્યુ મીટિંગ બોલાવી હતી અને મુખ્યમંત્રીએ પણ તાત્કાલિક રિવ્યુ બેઠક બોલાવી છે.

જામનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિવાસસ્થાને સાથે બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં ઓમિક્રોનના ખતરાને પહોંચી વળવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરને વિદેશથી આવેલા પ્રવાસીઓનું સઘન ટેસ્ટિંગ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.

Shah Jina