હાઇકોર્ટનો મહત્વનો આદેશ ! સ્પાના નામે ચાલતા ગોરખધંધામાંથી ઝડપાયેલા ગ્રાહકો સાથે FIR રદ, જાણો શું છે મામલો

ગુજરાતમાંથ ઘણીવાર સ્પાના નામે ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ થતો હોય છે. જો કે, સ્પાના નામે ચાલતા ગંદા ધંધામાં જે આરોપીઓ ઝડપાયેલા હોય છે તેમની વિરૂદ્ધની FIR રદ કરવાનો મહત્ત્વનો આદેશ હાઇકોર્ટ દ્વારા કરાયો છે. ઇમમમોરલ ટ્રાફિક(પ્રિવેન્શન) એક્ટની જોગવાઇઓને સ્પષ્ટ કરતાં હાઇકોર્ટે ઠરાવ્યું કે, કાયદાની જોગવાઇઓ મુજબ અરજદાર ગ્રાહકો વિરૂદ્ધ ગુનો ન નોંધી શકાય. તેઓ કાયદાની વિવિધ ધારા હેઠળ સ્પષ્ટ કરવામાં આવેલી કેટેગરીમાં આવતાં નથી.

જે સ્થળે સ્પા ચાલતું હતું એ પણ એમનું નથી અને પોતાનું ગુજરાન ચલાવવા કૂટણખાનું પણ ચલાવતાં નહોતા તેમજ માનવ તસ્કરીના ગુનામાં પણ સંડોવાયેલા નથી. ઉલ્લેખનીય છે કે, સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં જે ઇમમોરલ ટ્રાફિક(પ્રિવેન્શન) એક્ટની જોગવાઇઓ હેઠળ ફરિયાદ નોંધાયેલી છે તેને રદ કરવાની દાદ માંગતી અરજી બે અરજદારોએ હાઇકોર્ટ સમક્ષ કરી હતી અને આ દરમિયાન દલીલ કરાઇ હતી કે, પોલીસે માહિતી મુજબ સ્પામાં રેડ પાડી અને મેનેજર પકડાયો.

તેણે કબૂલ્યું પણ કે ગ્રાહકો જોડેથી વધારાના રૂપિયા લઇને સ્પામાં સર્વિસ આપવામાં આવે છે. જો કે, ત્યારબાદ પોલીસે રૂમ સર્ચ કર્યા ત્યારે અરજદારો છોકરીઓ સાથે મળી આવ્યા. આ તમામ હકીકતો સીધેસીધી કબૂલ કરી લેવામાં આવે તો પણ અરજદારોની ઇમમોરલ ટ્રાફિક(પ્રિવેન્શન)એક્ટની જોગવાઇઓ હેઠળ ગુનામાં સંડોવણી ગણી શકાય નહીં. કારણ કે આ કાયદા હેઠળ કૂટણખાનામાં મેનેજર કે માલિક દ્વારા ચલાવવામાં આવતી ગેરકાયદેસરની પ્રવૃત્તિ માટે ગ્રાહકને જવાબદાર ઠરાવી શકાય નહીં. એટલે અરજદારો વિરૂદ્ધની ફરિયાદ રદ કરવી જોઇએ.

જો કે, રાજ્ય સરકારે અરજીનો વિરોધ કર્યો અને તેને રદ કરવાની માગ કરી પણ બંને પક્ષોની રજૂઆત બાદ હાઇકોર્ટે નોંધ્યું કે, તમામ તથ્યો અને રેકર્ડ પર આવેલી હકીકતોને ધ્યાનમાં લેતાં એ સ્પષ્ટ છે કે અરજદારો ગ્રાહક હતા અને ઘટનાસ્થળેથી પકડાયા હતા. કાયદાની ધારા-3 મુજબ કૂટણખાનાને મેનેજ કરનારા મેનેજર વિરૂદ્ધ ગુનો બને છે. ધારા-4 મુજબ 18 વર્ષથી વધુની વ્યક્તિ પોતાની જાણ હેઠળ પ્રોસ્ટિટ્યુશનમાં સંડોવાયેલી હોય તો તેની સામે ગુનો બને છે.

credit : નવગુજરાત

Shah Jina