2 મહિના પહેલા જ થયા હતા લગ્ન, ના કોઈ પારિવારિક ઝઘડા, કે ના દેવું છતાં પણ સોમનાથના આહીર યુવાને વાપીમાં કર્યો આપઘાત.. જાણો સમગ્ર મામલો
ગુજરાતમાં આપઘાતની ઘટનાઓ હવે દિવસે દિવસે વધવા લાગી છે. ઘણા લોકો આર્થિક તંગીમાં સપડાઈને આપઘાત કરી લેતા હોય છે તો ઘણા લોકો પારિવારિક ઝઘડાના કારણે પણ પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે. ઘણા લોકોએ વ્યાજખોરોના ત્રાસથી પણ આપઘાત કરી લીધો હોવાની ઘટનાઓ પણ સામે આવે છે.
ત્યારે હાલ એક ઘટના વાપીમાંથી સામે આવી છે. જ્યાં એક ખ્યાતનામ બિલ્ડરે આપઘાત કરી લેતા ચકચારી મચી ગઈ હતી. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ સોમનાથ જિલ્લાના અને હાલ વલસાડના કૈલાશ રોડ પર રહેતા 27 વર્ષીય સાગર રાઘવભાઈ ગુજ્જર (આહીર) વાપીના એક ખ્યાતનામ બિલ્ડર છે. તેમણે વાપીમાં ઘણા સફળ પ્રોજેક્ટ પણ કર્યા છે.
2 દિવસ પહેલા જ તેઓ સાંજના સમયે પોતાની જીપ ગ્રાન્ડ કાર લઈને વલસાડના અતુલ નજીક આવેલી વહેતી પાર નદીના જુના પુલ પાસે પહોંચ્યા હતા. આ પુલ બંધ હાલતમાં હોવાના કારણે ત્યાં બેરીકેટ પણ લગાવી દેવામાં આવ્યા છે. તે છતાં પણ બિલ્ડરે બેરીકેટ તોડીને કાર નદીના પુલ પર દોડાવી અને પછી કાર સાથે જ નદીમાં ઝમ્પલાવી દીધું હતું.
આ ઘટના નદી કિનારે ઉભેલા કેટલાક લોકોએ પણ નિહાળી અને બચાવવા માટે બુમાબુમ પણ કરી હતી. ત્યારે ચંદ્રપુર ગામના તરવૈયાઓ પણ તાત્કાલિક નદી પર પહોંચ્યા હતા અને હોડીની મદદથી કાર સુધી પહોંચ્યા હતા. યુવકને બચાવવાના પણ ખુબ જ પ્રયાસો કર્યા પરંતુ યુવક કારમાં ફસાઈ ગયો હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું.
ભારે જહેમત બાદ ક્રેનની મદદથી કારની બહાર કાઢવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. સાગરના પરિવારજનોના જણાવ્યા અનુસાર સાગર એકદમ વેલસેટ હતો, તેને નાની ઉંમરમાં જ બિલ્ડર તરીકે મોટું નામ પણ બનાવી લીધું હતું. બે મહિના પહેલા જ તેના લગ્ન થયા હતા અને તેના કોઈ પારિવારિક ઝઘડા પણ નહોતા. ત્યારે આવું તેને શા કારણે કર્યું તે અંગે તેના પરિચિતો પણ મૂંઝવણમાં છે.