ખબર

બોટાદમાં બની ખુબ જ દુઃખદ ઘટના, વાડીએ કામ કરી રહેલા બે પિતરાઈ ભાઈઓનું અચાનક થયું મોત, પરિવારમાં છવાયો માતમ

કુદરતે શું નસીબમાં લખ્યું છે…બોટાદના ગુંદાળા ગામે બે ભાઈઓના આ રીતે અચાનક નિધન થતા આખું ગામ ચોધાર આંસુએ રડી પડ્યા!

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે, ઘણા લોકોના રોડ અકસ્માતમાં મોત નીપજે છે તો ઘણા લોકો કોઈ દુર્ઘટનાનો શિકાર બની જતા હોય છે. પરંતુ હાલ બોટાદમાંથી એક હૃદય કંપાવી દેનારી ઘટના સામે આવી છે, જેમાં ખેતરની અંદર કામ કરી રહેલા બે પિતરાઈ ભાઈઓના વીજ કરંટ લાગવાના કારણે મોત નિપજ્યા છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલા ગુદાળા ગામમાં રહેવાતા 17 વર્ષીય ચિરાગભાઈ હિંમતભાઇ ઓળકીયા અને 6 વર્ષીય વિવાન વિપુલભાઈ ઓળકીયા વાડીએ રમતા હતા તે દરમિયાન જ તેઓ પાણીની ઇલેક્ટ્રિક મોટર શરૂ કરવા જતા તેમને વીજ કારણે લાગ્યો હતો અને તેના કારણે તેમના મોત નિપજ્યા હતા.

બાળકોને કરંટ લાગતા જ પરિવારના સભ્યો પણ ત્યાં પહોંચ્યા હતા, પરંતુ ઘણું જ મોડું થઇ ગયું હતું. આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગઢડા રેફરલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.

આ બંને બાળકો કાકા-બાપાના ભાઈઓ થતા હતા. આ ઘટનાને લઈને ઓળકીયા પરિવાર માથે પણ દુઃખનો ડુંગર તૂટી પડ્યો છે. પરિવારમાં પણ શોક વ્યાપી ગયો છે, નાની ઉંમરમાં જ કુમળા ફૂલ જેવા બે બે બાળકોનું એક સાથે દુનિયાને છોડીને ચાલ્યા જવાનું દુઃખ પરિવારમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.